સોનિયા ગાંધી બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં પણ નહીં અાવે

અમદાવાદ: કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચાર દરમ્યાન પક્ષના પ્રચાર માટે ગુજરાત આવી શક્યાં નથી. આજે ગુજરાત વિધાનસભાની કુલ ૮૯ બેઠક માટે મતદાન થઇ રહ્યું હોઇ બીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણીનું મતદાન આગામી ગુરુવાર તા.૧૪ ડિસેમ્બરે થશે, જોકે સોનિયા ગાંધી બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારકાર્યમાં પણ જોડાવાનાં નથી. આમ, પ્રથમ વખત સોનિયા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવવાનાં નથી.

ગુજરાતની છેલ્લી બે ચૂંટણીમાં સોનિયા ગાંધીએ જ કોંગ્રેસના પ્રચારની ધુરા સંભાળી હતી. વર્ષ ર૦૦૭ની ચૂંટણી અને વર્ષ ર૦૧રની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ સમગ્ર રાજ્યનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. પરંતુ આ ચૂંટણીમાં પ્રારંભથી રાહુલ ગાંધીએ પ્રચારનું સુકાન સંભાળી લીધું છે.

સોનિયા ગાંધી ચૂંટણીના પ્રચાર અભિયાનમાં પણ તેઓ નાદુરસ્ત તબિયતના કારણે જોડાયાં ન હતાં. બીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણીના પ્રચાર અભિયાનથી પણ તેઓ અળગાં રહેશે તેમ પક્ષનાં સૂત્રો કહે છે.

આગામી તા.૧૪ ડિસેમ્બરે બીજા તબક્કાની ૯૩ બેઠક માટે મતદાન થવાનું હોઇ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ચૂંટણીસભાઓને ગજાવશે. રાહુલ ગાંધી આજે બપોરે એક વાગ્યે હારીજ, બપોરે અઢી વાગ્યે છાપી, બપોરે ચાર વાગ્યે વડનગર અને સાંજે છ વાગ્યે વિજાપુર ખાતે જાહેર સભાને સંબોધશે. સૂત્રો વધુમાં કહે છે ‘પક્ષના અન્ય સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુ અને ફિલ્મ અભિનેત્રી રામ્યાના ગુજરાતમાં પ્રચારના પ્રવાસ
અંગે હજુ સુધી અનિશ્ચિતતાનો માહોલ છે.

You might also like