સોનિયા ગાંધી પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે નહીં અાવે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હેઠળ આગામી તા.૯ ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ ૮૯ બેઠક માટે મતદાન થવાનું હોઇ ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અા વિસ્તારોને ધમરોળી રહ્યા છે તેમાં પણ કોંગ્રેસની વાત કરીએ તો પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તો એકલા હાથે પક્ષના પ્રચારનાં તમામ સૂત્ર સંભાળી લીધાં છે, જોકે પક્ષના ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદીમાં સૌથી અવલ સ્થાને મુકાયેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીનો હજુ સુધી ગુજરાતમાં પ્રચારને લગતો કોઇ કાર્યક્રમ ગોઠવાયો નથી. સોનિયા ગાંધી કદાચ નાદુરસ્ત તબિયતના કારણે પ્રથમ તબક્કાના મતદાનના પ્રચાર માટે ગુજરાત આવવાનું ટાળી રહ્યાં હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.

આગામી શનિવારે રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ૧૯ જિલ્લાના કુલ ર.૧૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વિધાનસભાની કુલ ૧૮ર બેઠક પૈકી કુલ ૮૯ બેઠક પરના ધારાસભ્યને ચૂંટી કાઢશે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારોના મતદાન થકી રાજ્યની ભાવિ સરકાર અંગે રાજકીય વર્તુળોને ચોક્કસ દિશાનિર્દેશ પણ મળશે. બીજી તરફ લોકોમાં પોતાની વાકછટાથી આકર્ષણનું ભારે કેન્દ્ર બનેલા પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ પણ પંજાબની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સામેલ થયા છે.

અત્યારે કોંગ્રેસ શાસિત પંજાબમાં તેઓ પંજાબ પર્યટન રાજ્ય પ્રધાન છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્વાભાવિકપણે નવજોતસિંહ સિદ્ધુ પણ મોખરાના સ્થાને છે, પરંતુ તેઓ પણ અગમ્ય કારણસર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવવાનું ટાળી રહ્યા છે. છેલ્લી વર્ષ ર૦૧રની ચૂંટણીમાં તેમણે ભાજપના સ્ટાર પ્રચારક તરીકે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને લોકો તેમને કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે સાંભળવા આતુર બન્યા છે, પરંતુ તેમના કાર્યક્રમનું આયોજન પણ ગોઠવાતું નથી.

You might also like