સોનિયા ગાંધીની તબિયત લથડતાં ચંડીગઢથી દિલ્હી પરત આવ્યાં

નવી દિલ્હી, શુક્રવાર
યુપીએનાં ચેરપર્સન અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીની ગુરુવારે રાત્રે એકાએક તબિયત લથડતાં તેમને ચંડીગઢથી તાત્કાલિક દિલ્હી લાવવામાં આવ્યાં છે. સોનિયા ગાંધી સિમલામાં હતા અને રાત્રે તેમની તબિયત બગડતાં ચંડીગઢ પીજીઆઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને રાત્રે ૧૧.૧૫ કલાકની આસપાસ ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં.

સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યાર બાદ ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં તેમની તપાસ કરવામાં આવી હતી અને સવારે તેમની સ્થિતિ સામાન્ય બનતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને દિલ્હી જવા રવાના થયા હતા. સોનિયા ગાંધી ગુરુવારે સિમલામાં હતા. છેલ્લા બે િદવસથી તેઓ પોતાના પુત્રી પ્રિયંકા ગાંધી સાથે સિમલા શહેરથી ૧૩ કિ.મી. દૂર આવેલ છરાબડાની હોટલ વાઈલ્ડ ફ્લાવર હોલમાં ઊતર્યાં હતાં.

સોનિયા ગાંધી સિમલામાં પ્રિયંકા ગાંધીનું જે ઘર તૈયાર થઈ રહ્યું છે તે જોવા ગયાં હતાં. પ્રિયંકાએ આ બંગલો અમેરિકામાં વસતા સતીશકુમાર સુદ અને સતીન્દર સુદ પાસેથી ૨૦૦૭માં ખરીદ્યો હતો.

You might also like