સોનિયા ગાંધીના નેતૃત્વમાં આજે ૧૮ વિપક્ષોની સંયુક્ત બેઠક

નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મુશ્કેલ લડાઈમાં જીત બાદ કોંગ્રેસે હવે વિરોધ પક્ષોને સંગઠિત કરવાના ફરીથી પ્રયાસો શરૂ કરી દીધા છે. આ સંદર્ભમાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં ૧૮ વિરોધ પક્ષની બેઠક આજે નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ પક્ષોની આ બેઠક સંસદની લાઈબ્રેરીમાં યોજાશે. આ બેઠક દરમિયાન કેન્દ્ર સરકારને કઈ રીતે ઘેરી શકાય એ મુદ્દાઓ પર ચર્ચા થશે. સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયા બાદ કેન્દ્ર વિરુદ્ધ કેવી રણનીતિ અખત્યાર કરવી જોઈએ એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. શરદ યાદવને પણ વિરોધ પક્ષના નેતા તરીકે આ બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નીતીશકુમારે પાટલી બદલ્યા બાદ વિપક્ષી એકતા અને સંગઠનના પ્રયાસોને મોટો ફટકો લાગ્યો છે.

You might also like