સોનિયા 2012માં ઇમરજન્સી લાદવા માંગતા હતા : સ્વામી

નવી દિલ્હી : ભાજપનાં નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પોતાનાં ઉટપટાંગ નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા હોય છે. જો કે આજે તેમણે વધારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેનાં અનુસાર તેઓએ આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધી પણ 2012માં દેશમાં ઇમરજન્સી લગાવવા માંગતા હતા. ઇન્દિરા ગાંધીની જેમ જ તે પણ દેશને બાનમાં લેવાનાં ફીરાક હતી. હિન્દુ આતંકવાદનાં નામે આ પગલું ભરે તેવી પુરેપુરી શક્યતાઓ હતી.

સ્વામીએ શનિવારે કહ્યું કે 2012માં સોનિયા ગાંધીએ દેશમાં ઇમરજન્સીની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે નકલી હિંદુ આતંકવાદનો હવાલો ટાંકીને આ પ્રકારનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. જો કે સોનિયા ગાંધીએ આવું પગલું કેમ ન ભર્યું તે અંગે સ્વામીએ કોઇ જવાબ આપ્યો નહોતો. સ્વામીએ દરમિયાન પોતાનાં પાર્ટી અને જેટલી સાથેનાં વણસેલા સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી. સ્વામીએ જણાવ્યું કે પાર્ટી અને જેટલી બંન્ને સાથે મારા સારા સંબંધો છે.

જેટલી સાથે ચાલી રહેલા વિવાદ અંગે તેમણે કહ્યું કે કથિત રીતે નિવેદનબાજીનાં જે અહેવાલો આવી રહ્યા છે તે ખોટા છે. આ પ્રકારનો કોઇ જ વિવાદ મારે જેટલી સાથે ચાલી નથી રહ્યો. મારે અને જેટલીને ઘણા સારા સંબંધો છે. આમ પણ હું કોઇ પર છુપો હૂમલો કરતો નથી. હું જેની સામે મોરચો ખોલું છું તેની સામે સ્પષ્ટ રીતે હૂમલો કરૂ છું. જેટલી સામે મારે કોઇ જ વાંધો નથી. જેટલી સારા માણસ છે. તે સુટમાં પણ ઘણા જ સારા લાગે છે.

You might also like