‘વીરે દી વેડિંગ’ ફિલ્મને લઇને સોનમ કપૂરની મહેનત રંગ લાવી

સોનમ કપૂર આહુજા ઉપરાંત કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયાના અભિનયથી સજેલી ચાર બહેનપણીઓ પર આધારિત ફિલ્મ ‘વીરે દી વેડિંગ’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો, જેને લઇને તે ખૂબ જ ખુશ છે. ખુશ થવાનાં બીજાં પણ કારણ છે.

ઉલ્લેખનીય છે કે આનંદ આહુજા સાથેના લગ્ન બાદ સોનમે કામ પર પાછા ફરવામાં રાહ ન જોઇ. થોડાક દિવસોમાં તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ફ્રાન્સમાં હતી. ત્યારબાદ તરત જ તેણે ‘વીરે દી વેડિંગ’ની રિલીઝ પહેલાં ખૂબ જ પ્રચાર પણ શરૂ કરી દીધો. થોડો ફ્રી ટાઇમ મળતાં હાલમાં તે લંડન ગઇ હતી.

ત્યાં તેણે થોડો સમય વીતાવ્યો અને પોતાના જન્મદિવસને પણ સેલિબ્રેટ કર્યો. લગ્ન બાદ પહેલી વાર લંડન જવું તે તેના માટે હનીમૂન જેવું રહ્યું. પોતાની પર્સનલ અને કોમર્શિયલ લાઇફમાં ખૂબ જ સારા સમયમાંથી પસાર થઇ રહેલી સોનમ કપૂર કહે છે કે છેલ્લા થોડા મહિનાઓ મારા માટે વ્યસ્ત રહ્યા.

હું પૂરી ઊંઘ પણ લઇ શકતી ન હતી, પરંતુ હવે મારી પાસે થોડો સમય છે અને હું તેનો સંપૂર્ણ આનંદ ઉઠાવી રહી છું. હાલનો સમય મારા માટે ખૂબ જ સારો છે. મારી ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. હું મારા સપનાના રાજકુમાર સાથે નવા જીવનની શરૂઆત કરી ચૂકી છું.

મારી મહેનત રંગ લાવી છે. સોનમને એક સ્ટારને મળતી લાઇમલાઇટની આદત છે, પરંતુ આનંદ નવા આકર્ષણનો સામનો કેવી રીતે કરી રહ્યો છે તે મુદ્દે સોનમ કહે છે કે તે આવી બાબતોથી દૂર રહે છે. તેને આજના ફિલ્મી જગત અંગે વધુ પડતી જાણકારી નથી. મારે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો પરિચય તેને આપવો પડે છે. •

You might also like