‘આનંદ કારજ’થી થશે સોનમ કપૂરના લગ્ન, 7 ફેરાંની જગ્યાએ લેશે 4 ફેરાં

લાંબા સમય પછી રિલેશનશિપમાં રહ્યા પછી સોનમ કપૂર અને તેનો બૉયફ્રેન્ડ આનંદ આહુજા લગ્નનાં બંધનમાં જોડાઇ રહ્યા છે, બંને પરિવારોએ 8મેએ લગ્ન થશે તે અંગેની માહિતી આપી છે. સોનમ અને આનંદે ઇકોફ્રેન્ડલી રીતે લગ્નના ઇ-કાર્ડ મહેમાનોને મોકલી દીધા છે.

મળતી માહિતી અનુસાર, સોનમના લગ્ન હિંદુ રીત-રિવાજથી નહીં પરંતુ શીખ ધર્મના રિવાજો પ્રમાણે થશે. સોનમ ‘આનંદ કારજ’ વિવાહ કરશે. આનંદ કારજની વિધિ હિંદુ ધર્મના રિવાજોથી બિલકુલ અલગ હોય છે.

આનંદ કારજમાં લગ્ન, મૂહુર્ત, શુકન-અપશુકન, નક્ષત્ર જોવા, કુંડળી મેળવવી વગેરે જરૂરી નથી હોતું. તો બીજી તરફ હિંદુ વિધિથી થતાં લગ્નમાં આ બધી જ વસ્તુઓનું ઘણું મહત્વ હોય છે. શીખ ધર્મમાં જે લોકો ગુરુ પર આસ્થા રાખે છે તેઓ આનંદ કારજ કરે છે. આ લોકો માટે દરેક દિવસ શુભ હોય છે.

આનંદ કારજનો અર્થ:
શીખ વિવાહને આનંદ કારજ કહેવાય છે. આનંદ કારજનો અર્થ થાય છે ખુશીનું કાર્ય. શીખ ગુરુઓ અનુસાર પારિવારિક જીવન અત્યંત મહત્વનું છે, માટે જ લગ્નને શુભ કાર્ય માનવામાં આવે છે.

કેવી રીતે થાય છે આનંદ કારજથી લગ્ન:
આ લગ્નમાં વરને ગ્રંથ સાહેબ સામે બેસાડવામાં આવે છે અને વધૂ આવીને વરની ડાબી બાજુ બેસે છે. પછી ઈશ્વરની પ્રાર્થના કરવામાં આવે છે અને વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. ત્યારબાદ જે શીખ સંત લગ્ન કરાવી રહ્યા હોય તે યુગલને લગ્ન, તેના કર્તવ્યો અને જવાબદારીઓને નિભાવવા અંગેનું જ્ઞાન આપે છે.

ફેરાને કહેવાય છે ‘લવણ’:
આ દરમિયાન પિતા પાઘડીનો એક છેડો દુલ્હનના ખભા પર મૂકે છે અને બીજો છેડો વરરાજાના હાથમાં આપે છે. પછી બંને જણા ગુરુ ગ્રંથ સાહેબની આસપાસ ચાર ફેરા ફરે છે, જેને ‘લવણ’, ‘લાવા’ કે ‘ફેરા’ કહેવાય છે.

હિંદુ લગ્નોમાં 7 ફેરા ફરવાનો રિવાજ છે જ્યારે આનંદ કારજમાં 4 ફેરા એટલે કે લવણ લેવાય છે. પ્રથમ ફેરામાં નામ લઈને સતકર્મની શિખામણ અપાય છે. બીજા લાવામાં સાચ્ચા ગુરુને પામવાનો માર્ગ બતાવાય છે, જેથી દંપતી વચ્ચે અહંકાર ન આવે. ત્રીજા લાવામાં સંગત સાથે ગુરુવાણી બોલવાની શિખામણ અપાય છે. ચોથા અને અંતિમ ફેરામાં મનની શાંતિ અને ગુરુને પામવા માટે શબ્દો કહેવાય છે.

You might also like