માત્ર રોમાન્સ અને ડાન્સ કરવો નથીઃ સોનાક્ષી

વર્ષ ૨૦૧૬નો છઠ્ઠો મ‌િહનો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ દબંગ ગર્લ સોનાક્ષી સિંહાની અા વર્ષે હજુ એક પણ ફિલ્મ અાવી નથી. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની અંતિમ ફિલ્મ ‘તેવર’ હતી, જે સફળ ન રહી, જોકે અા વર્ષે સોનાક્ષી ‘અ‌િકરા’ અને ‘ફોર્સ-૨’ દ્વારા ધમાલ કરવાની છે. સોનાક્ષીની ‘અ‌િકરા’ અને ‘ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ પણ એક જ દિવસે રિલીઝ થશે. અા બંને વચ્ચે કેવી સ્પર્ધા હશે તે અંગે વાત કરતાં સોનાક્ષી કહે છે કે એક શુક્રવારે માત્ર એક જ ફિલ્મ રિલીઝ થતી નથી, પરંતુ એકસાથે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, તેમાંથી માત્ર એ જ ફિલ્મ ચાલે છે, જેમાં કંઈક ખાસ હોય છે. હવે બે ફિલ્મો રિલીઝ થશે ત્યારે ખ્યાલ અાવશે કે લોકોને કયું મૂવી ગમે છે અને કઈ ફિલ્મ બોક્સ અોફિસ પર કેટલી કમાણી કરે છે. ‘ફોર્સ-૨’ એક્શન પેક્ડ ફિલ્મ છે, જેમાં સોનાક્ષી સાથે જોન અબ્રાહમનો અભિનય જોવા મળશે.

અાજકાલ સોનાક્ષી સિંહા એક્શન ફિલ્મોમાં વધુ રસ દાખવી રહી છે. અા અંગે વાત કરતાં તે કહે છે કે માત્ર દર્શકો અને ડિરેક્ટર્સ-પ્રોડ્યૂસર અે વાત સમજી શકે કે મારી અંદર પણ ખતરનાક એક્શન સીન કરવાની ક્ષમતા છે. હું માત્ર ડાન્સ અને રોમાન્સથી ભરપૂર ફિલ્મો કરવા ઇચ્છતી નથી. મારી અંદર પણ ખતરનાક સીન કરવાની તાકાત રહેલી છે. મને શરૂઅાતથી જ લાગતું હતું કે હું એક્શન સીન સારી રીતે કરી શકું છું. અાવા સંજોગોમાં મેં તે ફિલ્મોને મારા ખાતામાં સામેલ કરી છે. •

You might also like