…અને થોડા સમય બાદ જ મોકો મળી ગયોઃ સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ ઊભી કરી છે. પોતાની શરૂઆતની કરિયરમાં કોસ્ચ્યૂમ ડિઝાઇનરના રૂપમાં કામ કર્યા બાદ સોનાક્ષીએ એક્શન-ડ્રામા ફિલ્મ ‘દબંગ’થી અભિનય કર્યો, જેમાં તેને બેસ્ટ ન્યૂકમરના ફિલ્મ ફેર એવોર્ડ સહિત અન્ય એવોર્ડ પણ મળ્યા.

તેની છેલ્લી કેટલીક ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી હોય, પરંતુ તેને એક્ટિંગમાં પ્રશંસા જરૂર મળી. સોનાક્ષી કહે છે કે અમને બધા જ કલાકારોને એવો મોકો મળવો જોઇએ કે અમે એવા રોલ પ્લે કરીએ, જે લોકોના દિમાગમાં બેસી જાય અને લોકો તે રોલને જિંદગીભર યાદ કરે.

લોકો અમારા કામની એટલી જ પ્રશંસા કરે જેટલી તેઓ પુરુષ અભિનેતાઓની કરે છે. જ્યારે હું ‘રાઉડી રાઠોડ’ કે ‘દબંગ’ જેવી ફિલ્મો કરી રહી હતી ત્યારે મારા કો-સ્ટારને જોઇને વિચારતી હતી કે મને ક્યારે આ બધું કરવાનો મોકો મળશે. થોડા સમય બાદ મને ‘અકિરા’ ફિલ્મમાં તે કરવાનો મોકો મળ્યો.

સોનાક્ષી એમ પણ કહે છે કે જો અમે કંઇક અલગ કરી રહ્યાં છીએ તો તે ખૂબ જ સારી વાત છે. હવે લોકોની નજર બદલાઇ છે. જો તમે પૈસા ખર્ચીને ફિલ્મ જોવા જઇ રહ્યા હો તો તેમાં થોડી ક્વોલિટી અને કન્ટેન્ટ જરૂર હોવાં જોઇએ. જો મને મહિલા પ્રધાન ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળશે તો હું જરૂર કરીશ. ‘ઇત્તફાક’ ફિલ્મમાં મેં ગ્રે શેડવાળું પાત્ર ભજવ્યું હતું. મને નેગેટિવ રોલ કરવા મળશે તો હું જરૂર કરીશ. ‘ખૂન ભરી માંગ’માં રેખાએ જે પાત્ર ભજવ્યું હતું તેવું પાત્ર ભજવવા મળશે તો મને ખૂબ જ ગમશે.•

You might also like