મને રોજ બધાંને મળવું પસંદ નથીઃ સોનાક્ષી

ફિલ્મ ‘દબંગ’ના દિવસોમાં સોનાક્ષી સિંહાને સલમાન ખાન કેમ્પની અભિનેત્રી માનવામાં આવતી હતી, કેમ કે સલમાને તેને લોન્ચ કરવામાં ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ ત્યારથી અત્યાર સુધી સોનાક્ષી ખૂબ જ બદલાઇ ચૂકી છે. સોનાક્ષી કહે છે કે તે કોઇ પણ કેમ્પનો હિસ્સો નથી અને કામ સિવાય તેને કોઇ પણ વ્યક્તિને મળવામાં રસ નથી. સોનાક્ષી કહે છે કે મેં જે લોકો સાથે કામ કર્યું છે તેમની સાથે મારે આજે પણ સારા સંબંધો છે, પરંતુ રોજ-રોજ તેમની સાથે સમય પસાર કરવો મને પસંદ નથી.

મને તો માત્ર મારા થોડા ઘણા મિત્રો સાથે જ સમય વીતાવવો ગમે છે. સોનાક્ષી સિંહાને મિત્રો સાથે સમય વીતાવવામાં જ સંતોષ મળે છે. તે પોતાના પ્રોફેશનલ સંબંધોને પોતાના કામ સુધી જ સીમિત રાખે છે. આ કારણે કદાચ તે દરેક સમયે લાઇમલાઇટમાં ન રહી શકે, પરંતુ તેને ખોટી વસ્તુઓના કારણે ચર્ચામાં રહેવું પસંદ નથી. તેના જણાવ્યા મુજબ ફિલ્મોનો પ્રચાર તથા સોશિયલ મીડિયા પર હાજરી તેના પ્રશંસકો સાથે જોડાઇ રહેવા માટે કાફી છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશકોને ફોન કરીને કામ માગવાની વાત પર તેને વિશ્વાસ નથી, કેમ કે તે માને છે કે જે તમારું છે તે તમારી પાસે ભાગીને આવે છે. તેના આ જ વિચારોના કારણે તે ક્યારેય ટેન્શનમાં દેખાતી નથી.•

You might also like