દારૂડિયા જમાઈએ ધારિયાનો ઘા ઝીંકી સસરાને પતાવી દેતાં ચકચાર

અમદાવાદ: કપડવંજ નજીક નવાગામ પાસે એક દારૂડિયા જમાઈએ સસરા સાથે ઝઘડો કરી ધારિયાનો ઘા ઝીંકી સસરાને મોતને ઘાટ ઉતારતાં પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે કપડવંજ નજીક નવાગામની સીમમાં મકાન બાંધી ભૂપતસિંહ શિવાભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહેતા હતા. ભૂપતસિંહને બે પુત્રો અને બે પુત્રીઓ છે. બંને પુત્રીઓને પરણાવી દીધી છે. મોટી પુત્રી સંગીતાને કપડવંજ તાલુકાના અાંબોલિયા નજીક તથડી ગામે રહેતા દીપકભાઈ તખતભાઈ પરમાર સાથે અાઠ વર્ષ અગાઉ પરણાવી હતી. દીપકને દારૂ પીવાની ટેવવાળો હોય તે અવારનવાર સંગીતાને મારઝૂડ કરી હેરાન-પરેશાન કરતો હતો.

જમાઈના ત્રાસથી કંટાળી જઈ ભૂપતસિંહ થોડા દિવસ અગાઉ તેની પુત્રીને તેમને ત્યાં લઈ અાવ્યા હતા, પરંતુ જમાઈ દીપક ત્યાં પણ અાવી વારંવાર દંગલ કરતો હતો અને સંગીતાને સાથે લઈ જવાનું કહેતો હતો. ગઈ કાલે ફરી દીપકે સંગીતાને તેની સાથે મોકલવાની જીદ કરી હતી. ભૂપતસિંહે દીકરીને મોકલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા દીપકે સસરા ભૂપતસિંહ પર ધારિયાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નીપજાવ્યું હતું. પોલીસે અારોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

You might also like