મિશિગન યુનિ.માં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગઃ માતા-પિતા ઠાર મરાયા

વોશિંગ્ટન, શનિવાર
અમેરિકામાં મિશિગન સ્ટેટના માઉન્ટ પ્લેઝન્ટમાં આવેલ સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગ થવાથી ત્રણનાં મોત થયાં છે. ડેટ્રોઇટ ‌ફ્રી પ્રેસના અહેવાલ અનુસાર પોલીસ શકમંદ શૂટરની તપાસ કરી રહી છે. માઉન્ટ પ્લેઝન્ટના ટ્વિટર એકાઉન્ટ અનુસાર ફાયરિંગ કરનાર શખ્સનું નામ જેમ્સ એરિક ડેવિસ છે અને તેની ઉંમર ૧૯ વર્ષની છે.

આરોપીએ ડોરમેટ્રી બિલ્ડિંગમાં પોતાના જ માતા-પિતા પર ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઉપરાંત તેણે એક પોલીસ અધિકારીને પણ ગોળી મારીને મારી નાખ્યા હતા. જે સ્થળે ફાયરિંગ થયું તે યુનિવર્સિટી ડેટ્રોઇટથી ૧રપ માઇલ (ર૦૦ કિ.મી.) દૂર આવેલ છે. ટ્વિટર અનુસાર ગોળીબારની ઘટના મિશિગન યુનિવર્સિટીના કેમ્પેબલ હોલમાં ઘટી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ ઇમારતના ચોથા માળે આવેલા કેમ્પેબલ હોલમાં થયું હતું. મૃતકોમાં ફાયરિંગ કરનાર યુવાનનાં માતા-પિતા અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ તેમનો અંગત મામલો હતો. શકમંદ શૂટરની ઉંંમર ૧૯ વર્ષની છે અને તેની ઊંચાઇ પ.૯ ઇંચ હોવાનું જણાવાયું છે.

શૂટરનું નામ જેમ્સ એરિક ડેવિસ જુનિયર હોવાનું જણાવાય છે. માઉન્ટ પ્લેઝન્ટમાં સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ર૩,૦૦૦ વિદ્યાર્થીઓ છે. મિશિગન યુનિવર્સિટીના એક પોલીસ અધિકારીએ આ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગ આ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યો છે. જોકે તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફલોરિડામાં થયેલ ફાયરિંગની ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાના બે સપ્તાહ બાદ જ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે.

You might also like