બે હજાર LEDની રોશનીથી ઝળહળી ઊઠશે સોમનાથ મંદિર

અમદાવાદ: દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલું સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆતથી જ ૨૦૦૦ જેટલી એલઈડી લાઈટની રોશનીથી ઝળહળી ઊઠશે. મંદિરને રંગબેરંગી એલઈડીથી શણગારવામાં આવી રહ્યું છે. હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. જેટલી પણ કામગીરી થઈ છે તેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

રોજ રાત્રે ૪૫ મિનિટ સુધી લગાવાયેલી એલઈડી લાઈટની રોશનીથી મંદિરની શોભા ચાર ગણી વધી છે જ્યારે કામગીરી પૂરી થશે ત્યારે ઝળહળાં મંદિર જોઈને ભક્તો પણ દંગ રહી જશે. છેલ્લા ૪ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. મુખ્ય પ્રવેશદ્વારને પણ રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવી રહ્યું છે.

કુલ ૬ કરોડનો ખર્ચ લાઈટિંગ બ્યુટીફિકેશન માટે થશે. મંદિર ફરતે ૧૪૦૦ એલઈડી ફિક્ચર્સ અને ૬૦૦ હાઈ એલઈડી લાગી રહી છે. નાના નાના હજારો બલ્બથી મંદિરનાં પગથિયાંથી ૧૫૧ ફૂટની ઊંચાઈ ધરાવતા ઊંચા ‌િશખર સુધી અદ્ભુત વિવિધ રંગ જોવા મળશે.

રાષ્ટ્રપતિ ભવન-દિલ્હી અને ગેટવે ઓફ ઈન્ડિયા-મુંબઈ સહિત દેશનાં જાણીતાં સ્થળોએ આ પ્રકારે રોશની કરવામાં આવી છે. રોજ તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. આ રોશની જોઈને યાત્રિકો દંગ રહી જશે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે મંદિરમાં હાલમાં લાઇટ ફિટિંગની કામગીરી ચાલુ છે.

મંદિરનો મુખ્ય ગેટ-શંખ સર્કલ પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવશે. આ કામગીરી ઝડપભેર શ્રાવણ માસ શરૂ થતાં પૂર્વે પૂર્ણ કરાશે. ત્યારબાદ વિધિવત્ તેનું લોન્ચિંગ કરાશે.

You might also like