સોમનાથ-દ્વારકામાં ભક્તોજનો ઈ-વોલેટથી ચઢાવો કરી શકશે

અમદાવાદઃ ભક્તોનાં દાનથી છલકાતી દાનપેટીઓ નોટબંધીના કારણે ખાલી રહેતાં મંદિરોએ પણ હવે નવો વિકલ્પ અપનાવી લીધો છે. ભારત કે વિદેશમાં રહેતી કોઇ પણ વ્યક્તિ હવે ઇ-વોલેટ દ્વારા મંદિરોમાં ચઢાવો કે પ્રસાદ ધરાવી શકશે. રોકડની અછત ન નડે તે માટે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં આ વ્યવસ્થા શરૂ કરાઇ રહી છે.સોમનાથ મંદિર સહિત રાજ્યના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર, અંબાજી મંદિર, બહુચરાજી મંદિર અને તિરુપતિ મંદિર (અમદાવાદ)ના વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે ઇ-વોલેટ સુવિધા શરૂ કરવા માટે મોબાઇલ વોલેટની સર્વિસ આપતી કંપની સાથે મંત્રણાઓ શરૂ થઇ ગઇ છે. આવતા સપ્તાહથી આ તમામ મંદિરોમાં ઇ-વોલેટ દ્વારા દાન, ચઢાવો કે પ્રસાદ શરૂ થઇ જશે. મંદિરનાં સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મંદિરને જે દાન મળતું હતું તેમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો નોટબંધીના કારણે નોંધાયો છે. તેથી ભક્તોને પૂજા માટે પ્લા‌િસ્ટક મની ઉપયોગમાં લેવા માટે પ્રચાર કરાશે. કેટલાંક મંદિરોમાં ચલણની અછતના કારણે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે.

સોમનાથ મંદિરના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે અમારા ભક્તો માટે ઇ-વોલેટની સુવિધા સ્થાપવા માટે પેટીએમ સાથે ઘાટાઘાટો શરૂ કરી છે. ખૂબ જ નજીકના સમયમાં ઇ-વોલેટથી દાન ચઢાવો કે પ્રસાદ સ્વીકારવાનું શરૂ થશે.જ્યાં ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે તેવા અમદાવાદ સહિત રાજ્યનાં પ્રસિદ્ધ મંદિરોના પરિસરમાં હવે એટીએમ પણ સ્થાપવા માટે વિચારણા શરૂ કરી દેવાઇ છે. સરકાર ઇ-વોલેટ સફળ રહે તે માટે રેશ‌િનંગની દુકાનો, પેટ્રોલ પંપ, મિલ્ક બૂથ, રેલવે સ્ટેશન વગેરે સાથે જોડવા માટે પ્રયત્નશીલ છે ત્યારે મંદિરો પણ ઇ-વોલેટ સુવિધા સાથે સંકળાઇ જશે.

You might also like