યાત્રાધામ દ્વારકા-સોમનાથમાં સુરક્ષાનો લોખંડી જાપ્તોઃ સઘન દરિયાઈ પેટ્રોલિંગ

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા અાતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ જારી કરવામાં અાવ્યું છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ પણ ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં હોઈ રાજ્યના ગૃહ વિભાગના અાદેશથી અા બંને યાત્રાધામમાં સુરક્ષાનો લોખંડી જાપ્તો ગોઠવી દેવામાં અાવ્યો છે અને બંને યાત્રાધામ દરિયાકિનારે અાવેલાં હોઇ અાતંકવાદીઓ દરિયાઈ માર્ગથી પ્રવેશી ન શકે તે માટે સઘન દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. કાશ્મીરના ઉરીમાં થયેલા અાતંકવાદી હુમલામાં ૧૮ જવાનો શહીદ થયા છે. ઉરીના હુમલા બાદ ચોંકી ઊઠેલા સુરક્ષાતંત્ર દ્વારા દેશભરમાં એલર્ટ જારી કરી દઈ જુદા જુદા રાજ્યના ગૃહ વિભાગને પણ સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરવામાં અાવી છે.

રાજ્યના સુપ્રસિદ્ધ એવાં યાત્રાધામ સોમનાથ અને દ્વારકા પણ અાતંકવાદીઓના હિટ લિસ્ટમાં હોવાથી અા બંને સ્થળો પર પોલીસનાં ધાડાં ઉતારી દેવામાં અાવ્યાં છે અને મંદિરના પ્રવેશદ્વાર પર કડક ચેકિંગ શરૂ કરી દઈ અાવતા-જતા તમામ યાત્રાળુઓની ચકાસણી કરવામાં અાવી રહી છે. દ્વારકા અને સોમનાથમાં અાવેલાં ગેસ્ટ હાઉસ, હોટલ, ધર્મશાળાઓમાં પણ રાતભર ચેકિંગ કરવામાં અાવી રહ્યું છે અને અા બંને યાત્રાધામ તરફ જતા માર્ગો પર નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કરાયું છે. દરિયાઈ માર્ગથી અાતંકવાદીઓ ઘૂસી ન જાય તે માટે દરિયામાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દરિયાકાંઠે દૂરબીન અને ટેલિસ્કોપ સાથે જવાનોને તહેનાત કરી ચાંપતી નજર રાખવા અાદેશ અાપવામાં અાવ્યા છે. દ્વારકા અને સોમનાથના દરિયાઈ વિસ્તારોમાં પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ અને નેવીના જવાનોને સુરક્ષાવ્યવસ્થા માટે ગોઠવી દઈ દરિયાઈ માર્ગે ચાલતી ગતિવિધિ પર કડક નિગરાની રાખવામાં અાવી રહી છે.

You might also like