શહેરમાં બની મોતની ઘટનાઓ, ક્યાંક ગળેફાંસો તો ક્યાંક વીજ કરંટથી મોત

પતિએ કેરોસીન છાંટી પત્નીને સળગાવી
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં સામાન્ય બાબતે પતિએ પત્ની પર કેરોસીન છાંટીને સળગાવી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પીવાના પાણીની પાઇપ બંધ કરી દેવા જેવી સામાન્ય બાબતે પતિએ પત્નીને સળગાવી હોવાનું પોલીસની પ્રાથ‌િમક તપાસમાં સામે આવ્યું છે.

અમરાઇવાડીમાં આવેલ દ્વારકાધીશનગરમાં રહેતી ગીતાબહેન જાટવે તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધમાં હત્યા કરવાની કોશિશ કરવા અંગે ફરિયાદ કરી છે. ગીતાબહેનને અવારનવાર તેમના પતિ દીપકભાઇ, સસરા બાબુસિંગ અને સાસુ ઉર્મિલાબેન સાથે અનેક બાબતે તકરાર થઇ હતી. બે દિવસ પહેલાં બપોરે ગીતાબહેને દીપકભાઇને કહ્યું હતું કે તારા પિતાએ પીવાના પાણીની પાઇપ બંધ કરી દીધી છે. આ બાબતે દીપકભાઇ અને ગીતાબહેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં દીપકભાઇએ આવેશમાં આવીને ગીતાબહેન પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. ગીતાબહેન દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

ધાબા પરથી પટકાતાં બે યુવાનોનાં અને વીજ કરંટ લાગતાં એકનું મોત
શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવ બનતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સરદારનગરના નોબલનગર ખાતે આવેલી મધુબન સોસાયટીમાં કડિયાકામ કરતા રાજુ મનજી મકવાણા નામનો યુવાન ધાબા પરથી પગ લપસતા નીચે પટકાયો હતો જેનું ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ ઉપરાંત ચાંદખેડામાં જગતપુર ખાતે આવેલ વૃંદાવન ટાવરના ચોથા માળે કલર કામ કરતો મોનુસિંગ સેવારામ કુશવાહ નામનો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. તેમજ દાણીલીમડા વિસ્તારમાં ગુલાબનગર ખાતે આવેલી કાપડની ફેકટરીમાં કામ કરી રહેલ મુકેશ સુબલિયા રાવત નામનાા યુવાનને ફેકટરીના છાપરાના પતરામાં વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવતી અને એક યુવાનનો ગળાફાંસો મહિલાએ એસિડ પી લઇ જીવન ટૂંકાવ્યું
શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ચાર બનાવ બન્યા છે જેમાં બે યુવતી અને એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે એક મહિલાએ એસિડ પી લઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે રાયપુર વિસ્તારમાં બિગબજાર નજીક કે.કા.શાસ્ત્રીનગર ખાતે આવેલા બ્લોક નં.૩માં રહેતી જીગીશા મહેશભાઇ ચાવડા નામની યુવતીએ પોતાના ઘરમાં જ સાંજના સુમારે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે ખોખરામાં દેશમુખ વાડી પાસે આવેલ ભાવનાનગરમાં રહેતી રંજનાબહેન બબલુભાઇ બિટોરિયા નામની ૧૮ વર્ષની યુવતીએ પણ અંગત કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

આ બંને યુવતીના અપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત નરોડા રોડ પર કઠવાડા ખાતે આવેલ શિલાલેખ સોસાયટીમાં રહેતા કિરણ સુધીરભાઇ વાનખેડેએ પણ અંગત કારણોસર બપોરના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. તેમજ રામોલ વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર સિટી વિભાગ-૧ ખાતે રહેતી આશાબહેન રવિભાઇ વાઘેલા નામની એક મહિલાએ ૭ દિવસ અગાઉ એસિડ પી લેતા તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like