યુવાનો સોલો ટ્રાવેલિંગ તરફ વળ્યા છે

આજનો યુવાન લહેરાતી હવા જેવો અને ખળખળ વહેતાં ઝરણાં જેવો છે. તેને હંમેશાં કંઇક ને કંઇક નવું કરતાં રહેવું હોય છે. પહેલાં યુવાનો હરવાફરવા કે ટ્રેકિંગ માટે ગ્રૂપ શોધતા અને બધા સાથે જ જતા પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. આજનો યુવાવર્ગ હવે ધીમેધીમે સોલો ટ્રાવેલિંગ તરફ વળ્યો છે.
યુવાનો હવે ખભે થેલો નાખી મન થાય ત્યાં ઊપડી જતા હોય છે. કોઇ પણ સ્પોટ કે પિકનિક પર જવાનું હોય ત્યારે યુવાનો મિત્રને મળતા, ગ્રૂપ બનાવતા ને ત્યારબાદ બહાર જવાનું પ્લાનિંગ કરતા. કોલેજમાંથી પિકનિક પર જવાનો પ્લાન હોય કે પછી મૂવી જોવાનો, તેઓ હંમેશાં એકબીજાની સાથે જવાનું પસંદ કરતા. શોપિંગ કરવા જવું હોય તો તેમાં પણ પરિવાર કે મિત્રને સાથે રાખતા. હવે આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવેના યુવાનોને સોલો ટ્રાવેલિંગ વધુ પસંદ પડે છે. પોતાની ઇચ્છા મુજબ ફરવું તે યુવાનો માટે પસંદગી બની ગઇ છે. હવે માત્ર યુવકો જ નહીં પરંતુ યુવતીઓ પણ સોલો ટ્રાવેલિંગમાં વધુ રસ લેતી થઇ છે. યુવકોની જેમ જ યુવતીઓ સ્વનિર્ભર બની છે અને ફેમિલીનો સપોર્ટ મળતા હવે તે વધુ મોકળાશથી ફરવા લાગી છે.

આ સંદર્ભે વાત કરતાં આયુષી સોલંકી કહે છે કે, “હવે હું પોતાની રીતે અને ઇચ્છા થાય તેમ ફરું છું. પહેલાં જ્યારે ગ્રૂપમાં જતા ત્યારે મજા તો આવતી પરંતુ આપણા વિચારો સ્વતંત્ર રહેતા નથી. બધા કહે તેમ કરવું પડતું, પરંતુ હવે સોલો ટ્રાવેલિંગનો ઓપ્શન મારા જેવા એકલા ફરવાના શોખીન માટે બેસ્ટ છે. ખાસ કરીને હિલ સ્ટેશન પર જવાનું વધારે ગમે છે. બધાની સાથે ફરવામાં મજા ચોક્કસ આવે પણ હું થોડી મનમોજી છું. મને તો એકલા જ ગમે છે.” તો વળી પિન્કી મજમુદાર કહે છે કે, “મારા ફ્રેન્ડ્સ સાથે પહેલેથી જ ઓછું ફરવા જતી. મને એકલા ફરવાનું સારું લાગતું પરંતુ પહેલાં હંુ ફેમિલી સાથે ફરવા જતી. ટ્રેકિંગનો શોખ ઘણો પણ પૂરો કરવાનો મોકો મળતો નહીં. હવે હું યૂથ ટ્રાવેલિંગ સાથે જોડાઇ છું જેમાં હું એકલી જ બધે ટ્રાવેલિંગમાં જાઉં છું અને જેમાં મારા જેવા સોલો ટ્રાવેલિંગના શોખીન પણ છે. બધાની સાથેના સાથે અને એકલાના એકલા. જેમાં હું મારી મરજીથી ટ્રેકિંગ કરું છું, ફરું છું અને મજા કરું છું.” જ્યારે વિજય રામી કહે છે કે, “આપણે તો મનમોજીલા છીએ. જ્યારે મન થાય ત્યારે ફરવું અને મન થાય ત્યારે આરામ કરવો. માટે હું એકલો જ ફરવાનું પસંદ કરું છું.”

યુવાનોમાં દીવ, ગોવા, દમણ, ટ્રેકિંગ માટે મનાલી, આબુ જેવાં સ્થળો વધુ પસંદ છે. બદલાતા સમય સાથે યુવાનોએ ફરવાનો નવો ટ્રેન્ડ અપનાવ્યો છે. ગ્રૂપમાં મોજમસ્તી છોડી સોલો ટ્રાવેલિંગ કરતાં થયા છે.
હેતલ રાવ

You might also like