લોકોને સૈનિકો જેવા કપડાં નહીં પહેરવા સેનાની અપીલ

નવી દિલ્હી : દેશ પર થતાં આતંકવાદી હુમલાઓમાં સેનાની વર્ધીનો ઉપયોગ કરાતા સેનાએ હવે સામાન્ય નાગરિકોને સેનાની વર્ધી જેવા કપડાં નહીં પહેરવાની અપીલ કરી છે. આ સાથે જે દુકાનદારોને પણ અપીલ કરાઈ છે કે તેઓ સામાન્ય પ્રજાને આ પ્રકારના કપડાં ન વેચે. સેનાએ આતંકવાદી હુમલાઓથી બચવા તથા આતંકવાદનો મુકાબલો કરવા માટે સામાન્ય નાગરિકો જોગ એક લેટેસ્ટ ગાઇડલાઇન્સમાં આ અપીલ કરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં થયેલ પઠાણકોટ આતંકવાદી હુમલા સહિત ભૂતકાળનાં અનેક બનાવો દરમિયાન આતંકવાદીઓએ ભારતીય સેનાની વર્ધીમાં જ ઘુસણખોરી કરી હતી.અધિકારીએ જણાવ્યું, ‘સામાન્ય નાગરિકોનું આવા કપડાં પહેરવું ગેરકાયદે છે અને તેનાથી ખોટો સંકેત જાય છે. જે વેપારી કે દુકાનદાર સેનાની વર્ધીનાં વેચાણમાં રસ ધરાવે છે, તેણે સ્થાનિક સૈન્ય તંત્ર તથા અધિકારીઓનો સંપર્ક કરી સેનાની દુકાનો તથા માન્યતા પ્રાપ્ત સ્થળોએ આ વર્ધીઓનાં વેચાણની પરવાનગી માંગવી જોઇએ.

અનાધિકૃત લોકો દ્વારા સેનાની વર્ધીનું વેચાણ ગેરકાયદે છે. આ દિશાનિર્દેશ પ્રજાહિતમાં જાહેર કરાયાં છે અને તેનો ઉદ્દેશ આતંકવાદી હુમલાઓ સામે સલામતીનો છે. સેનાએ કહ્યું છે કે સામાન્ય નાગરિકોનું સૈન્ય વર્ધી પહેરવું આતંકવાદીઓના ઇરાદાઓને પૂર્ણ કરવામાં સહાયક નિવડી શકે છે. સેનાની વર્ધીથી લોકોને ગેરસમજ થઈ શકે અને આતંકવાદીઓઅપરાધીઓ તેનો ગેરલાભ ઉઠાવી દેશને નુકસાન પહોંચાડી શકે છે.

સેનાનાં પ્રવકતાએ કહ્યું, ‘અમે દેશનાં યુવા વર્ગને અપીલ કરીએ છીએ કે તેઓ સોશિયલ મીડિયા દ્વારા આ વિષે વધુમાં વધુ લોકોને જાગૃતકરે. યુવા વર્ગ મળી સેનાની વર્ધી ઉપકરણોનાં ખોટા અને દુરુપયોગ વિરુદ્ઘ એક પ્રજાકીય ઝુંબેશ શરૂ કરે.

સામાન્ય પ્રજાને આ ગાઇડલાઇનથી જે અગવડ ભોગવવી પડી રહી છે, તે બદલ અમને ખેદ છે, પરંતુ લોકોની સલામતી માટે આપણે આવા પગલા ભરવા જરૂરી છે. સેનાએ લોકોને આ દિશાનિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે.

You might also like