સોલાર ક્ષેત્રે ગુજરાતને પડોશી રાજ્યે પાછળ રાખ્યું: કોંગ્રેસ

ગાંધીનગર: સૂર્ય ઊર્જાક્ષેત્રે ગુજરાત નંબર હોવાના અને સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ છે તેવા અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારે દાવા કર્યા હતા. જો કે આ દાવાઓ સદંતર ખોટા સાબિત થયા છે.  કારણ કે સોલાર ઊર્જામાં કોંગ્રેસની નીતિઓના કારણે રાજસ્થાન આગળ અને ત્યાર બાદ કોંગ્રેસની દૂરંદેશીના કારણે ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ છે.

ગુજરાતની ખોખલી થઈ ગયેલી ભાજપ સરકાર ઔદ્યોગિક વિકાસને જાળવી શકતી નથી, જેના પરિણામે વાઈબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ કાગળ ઉપર જોવા મળે છે તેવો આક્ષેપ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે કર્યો છે.  વ્યાસે જણાવ્યું છે કે ભારતના ર૧ રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમાં ઔદ્યોગિક વિકાસના આંકડાં જાહેર થયા છે તેમાં ગુજરાત બીજા ક્રમે ધકેલાઈ ગયું છે, જ્યારે મહારાષ્ટ્ર નંબર વન સ્ટેટ બની ગયું છે. ઔદ્યોગિક અને સોલારમાં ગુજરાત નંબર-વન છે તેવા દાવા કરવામાં આવતાં હતાં. પરંતુ હવે તે દાવાઓ ખોટા પડી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં અગાઉની કોંગ્રેસની સરકારે બનાવેલી નીતિઓ સોલાર ડેવલપમેન્ટમાં કામ લાગે છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની અગાઉની સરકારે દૂરંદેશી યોજનાઓ બનાવતાં ભાજપની સરકાર આ બંને રાજ્યોમાં આગળ નિકળી ગઈ છે, જ્યારે ગુજરાતમાં મોદી મોડેલના ભુક્કા બોલી ગયા છે. સોલાર પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાતને પાછળ ધકેલી રાજસ્થાન આગળ નિકળી ગયું છે તેમ ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાતને તેના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રે પછાડ્યું છે. જેના કારણે ગુજરાતની ભાજપ સરકારની ઔદ્યોગિક નીતિ અને નિયત બંને બાબતો અંગે વિચારવાનો સમય પાકી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  એસોચેમ દ્વારા થયેલા સ્ટડી મુજબ ગુજરાતને તેના પાડોશી રાજ્ય એ જ પછાડ્યું છે. દેશના ર૧ રાજ્યમાં ૧પ૪ લાખ કરોડનું પબ્લિક અને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ થયું છે.

You might also like