સોલા હોસ્પિટલના રેસિડેન્સી ક્વાર્ટર બેટમાં ફેરવાઈ ગયાં

અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક ભાગો સાથે અમદાવાદમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હવે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. રવિવારે આખા દિવસ દરમિયાન ઝરમર વરસાદ બાદ રાત્રે વરસાદે જોર પકડ્યું હતું, જોકે થોડો સમય રોકાયા બાદ વહેલી સવારે વરસાદ ફરી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું ત્યારે વરસાદ રોકાવાનું નામ ન લેતાં હવે લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધી રહેલા વરસાદના કારણે સોલા હોસ્પિટલમાં આવેલા જૂની ઓપીડી પાસેના રે‌િસડેન્સી કવાર્ટરમાં પાણી ભરાઈ ગયાં છે, જેથી વિદ્યા‌િર્થનીઓ તથા નર્સોને ગંદકી તેમજ પાણીમાં રહેવાની ફરજ પડી રહી છે.

શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે રસ્તા ધોવાઈ ગયા છે અને ગટરો ઊભરાવા લાગી છે અને વરસાદનું પાણી લોકોનાં ઘરમાં ભરાઈ ગયું છે, જેના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. પાણીનો નિકાલ ન થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂનની પોલ ખૂલી ગઇ છે ત્યારે સોલા હોસ્પિટલમાં આવેલ જૂની ઓપીડી પાસેના રે‌િસડેન્સી કવાર્ટર હોસ્પિટલની ડોકટરો તેમજ નર્સો આ બ્લોકમાં રહે છે, પરંતુ આ બ્લોકની પાછળની સાઈડમાં કેનાલ પસાર થાય છે. આ કેનાલનું પાણી બ્લોક થતાં ગટર મારફતે ડી અને સી બ્લોકમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે હો‌િસ્પટલમાં જવામાં તકલીફ પડી હતી અને પાણી ભરાઈ ગયું હતું.

આ માટે નર્સોએ ઈજનેરને ફરિયાદ કરતાં હાલમાં મોટરથી પાણી કાઢવાનું ચાલુ કર્યું છે. તંત્ર પણ મોટરથી પાણી કાઢવા માટે લાગી ગયું છે, પરંતુ વધુ વરસાદ પડતાં પહેલાં જેવી પરિસ્થિતિ હતી તેવી જ ફરી થઇ જાય છે અને આ બન્ને બ્લોકમાં રૂમ સુધી પાણી ભરાઈ જાય છે, પરંતુ તંત્રને આ સમસ્યા ઉકેલવામાં રસ લાગતો નથી.

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઇ સાજા થવા આવે છે પણ સિવિલ હોસ્પિટલમાં ગંદકી એટલી હદે ફેલાયેલી છે કે સાજો માણસ પણ બીમાર થઇ જાય તેવી સ્થિતિ છે. ભારે વરસાદના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પર પાણી ટપકે છે. આ હોસ્પિટલ પણ ગંદકીના કારણે મચ્છરના ઉપદ્રવનું કેન્દ્ર બની છે. હોસ્પિટલમાં સત્વરે સફાઇ કરવામાં નહીં આવે તો ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને તેવી કફોડી સ્થિતિ બની જશે.
http://sambhaavnews.com/

You might also like