સોલા, ઘાટલોડિયા, આનંદનગરમાં ચોરીઓ કરનાર બે યુવક ઝડપાયા

અમદાવાદ: શહેરના સોલા, ઘાટલોડિયા, આનંદનગર અને ચાંદખેડા વિસ્તારમાં વાહન અને ઘરફોડ ચોરી કરનાર બે યુવકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનું વાહન કબજે કર્યું છે. આરોપીઓએ નવ જેટલી ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એ. વાઘેલા અને ટીમ તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓને લઈ આરોપીઓની તપાસ કરી રહ્યા હતા.

દરમિયાનમાં બાતમીના આધારે પોલીસે રાજુ ઉર્ફે અબ્બો કલાસવા (ઉ.વ.૧૮, રહે. ગોકુલનગર, ચાણક્યપુરી) અને કૈલાસ નાથુભાઈ કલાસવા (ઉ.વ.૨૦, રે. ગોકુલનગર, ચાણકયપુરી)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી એક બાઈક કબજે કર્યું હતું. બાઈક બાબતે પૂછપરછ કરતા તેઓએ આ બાઈક સોલા વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું.
આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ સોલા વિસ્તારમાંથી ત્રણ, આનંદનગર અને ઘાટલોડિયા તેમજ ચાંદખેડા વિસ્તારમાંથી બે ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

વધુ પૂછપરછમાં ચોરીના અનેક ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પીએસઆઈ એમ.એ. વાઘેલાએ જણાવ્યું હતું કે મૂળ રાજસ્થાનના આરોપીઓ કયારેક ભેગા મળીને અથવા એકલદોકલમાં જઈ ચોરીઓ કરે છે. દિવસે મજૂરી કરી રાત્રે ઘરફોડ ચોરીઓ કરે છે.
http://sambhaavnews.com/

You might also like