સોલા સિવિલની પાંચમાંથી એક જ લિફ્ટ ચાલુઃ લિફટમેન પણ નથી

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા લાખોના ખર્ચે રાજ્યની સરકારી હોસ્પિટલોને કોર્પોરેટ કક્ષાની બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે જાણીને આંચકો લાગશે કે ૧૦ માળની બનેલી સોલા સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા તો છે પણ સોલા હોસ્પિટલમાં હાલમાં પાંચ લિફ્ટમાંથી એક જ લિફ્ટ ચાલતી હોવાથી દર્દીઓની હાલત કફોડી બની છે તેમજ લિફ્ટમેન ન હોવાથી બીમાર દર્દીને હોસ્પિટલના વોર્ડમાં જવા માટે જાતે જ લિફ્ટ ચલાવવી પડે છે એટલું જ નહિ‌, આ લિફ્ટ વારંવાર બગડી જતી હોવાથી ઘણી વાર દર્દી-સગાં લિફટમાં ફસાઈ જવાના બનાવો બને છે તેમજ દર્દીઓને સ્ટેચર પર લિફ્ટમાં જવા માટે બહાર રાહ જોવી પડે છે

સોલા સિવિલ હોસ્પિટલમાં પપ૦ બેડ, એક હજારથી વધુની ઓપીડી, દર્દી-દર્દીનાં સગાં તેમજ હોસ્પિટલ સ્ટાફ મળીને રોજના પાંચ હજારથી વધુ લોકો અવરજવર કરે છે તેમજ હોસ્પિટલના ઉપરના માળે આવેલા વોર્ડમાં જવા માટે ઓપીડી બિલ્ડિંગની બાજુમાં અને ટ્રોમા સેન્ટર પાસે છથી વધુ લિફ્ટની વ્યવસ્થા કરાઇ છે, પરંતુ આ લિફ્ટ શરૂ કરાઈ ત્યારથી એક પણ લિફ્ટ ચલાવવા માટે લિફ્ટમેનની ભરતી ન કરાઈ હોવાથી લિફ્ટમેનના અભાવે દર્દીને વોર્ડમાં લાવવા-લઈ જવા માટે દર્દીનાં સગાંએ જાતે જ લિફ્ટ ચલાવવી પડે છે, પરંતુ જ્યારે કોઇ વયોવૃદ્ધ દર્દી આવે છે ત્યારે તેમને લિફ્ટ ચલાવતાં આવડતું ન હોય તેવા સંજોગોમાં લિફ્ટમાં વોર્ડમાં જવા માટે અન્ય કોઇ વ્યક્તિ આવે તેની રાહ જોવી પડે છે અથવા હોસ્પિટલ સ્ટાફ દર્દીની મદદ માટે દોડી આવે છે.

આ અંગે સોલા હોસ્પિટલના આરએમઓ દિલીપ પટેલે જણાવ્યું કે ‘લિફ્ટનું મેન્ટેનન્સ પીઆઈયુના અન્ડરમાં આવે છે અને લિફ્ટ બાબતે કોઈ દર્દી અમને ફરિયાદ કરે છે ત્યારે અમે પીઆઇયુને જાણ કરી દઈએ છીએ અને લિફ્ટમાં સાફ સફાઈનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવ્યો હોય તેના જ માણસ મૂકવામાં આવે છે.’
http://sambhaavnews.com/

You might also like