બે બિલ્ડરની હત્યા માટે સોહરાબ કેસના સાક્ષીને 70 લાખની સોપારી અપાઈ

અમદાવાદ: દેશમાં ચકચારી બનેલા સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના મહત્ત્વના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાન પઠાણે જુહાપુરાના બિલ્ડર નજીર વોરા અને જમાલપુરના બિલ્ડર સલીમ જુમ્મા ખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ઉદયપુરની એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ની ટીમે કર્યો છે.

થોડાક દિવસ પહેલાં ખંડણી, હત્યાની કોશિશ જેવા ૧૭ કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા આઝમખાન પઠાણની ઉદયપુરની એસટીએફએ દિલ્હીથી ધરપકડ કરી હતી.

વર્ષ ર૦૧૬માં જમાલપુર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ પાસે બિલ્ડર મોહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢીની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરીંગ કરીને થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં સીઆઇડીએ ઉદયપુરમાં ધરપકડ થયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની પૂછપરછ કરી છે.

રાજસ્થાનમાં ખંડણી, હત્યાની કોશિશ જેવા સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની રાજસ્થાનની એસટીએફએ દિલ્હીથી ધરપકડ કરી છે. આઝમખાનની ધરપકડ બાદ તેના બે શૂટર સદામ ન્યારગર અને ઇમરાન ઉર્ફે ભુરિયાની પણ એસટીએફની ટીમે બે ઇમ્પોર્ટેડ ‌િપસ્તોલ અને છ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે.

હનીફ દાઢી હત્યા કેસ અંગે સીઆઇડી ક્રાઇમ તેમજ એસટીએફની ટીમે આઝમખાનની પૂછપરછ કરી હતી, જેમાં તેને અમદાવાદના બિલ્ડર નજીર વોરા અને હથિયારોના બોગસ પરવાના આપવાના કેસમાં ધરપકડ થયેલા સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાની કબૂૂલાત કરી છે.

બિલ્ડર હનીફ દાઢી હત્યા કેસમાં કોઇ સુરાગ નહીં મળતાં સીઆઇડીની ટીમ પરત આવી ગઇ છે ત્યારે એસટીએફની ટીમે બન્ને લોકોની હત્યા કરવા માટે કોને સોપારી આપી તે મામલે તપાસ શરૂ કરી છે.

ઉદયપુરની એસટીએફના જણાવ્યા અનુસાર આઝમખાન પઠાણે નજીર વોરા અને સલીમ જુમ્માખાન પઠાણની સોપારી લેવા માટે સોપારી લીધી હતી. નજીર વોરા પર જૂન મહિનામાં તેના બનેવી મુસ્તુફા ઉર્ફે લાલા યુસુફભાઈ વોરાએ ફાયરીંગ કરાવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા જેમાં તે જેમાં તે બચી ગયા હતા.

ત્યારબાદ લાલા વોરાએ નજીર વોરાની હત્યા કરાવવા માટે આઝમખાન પઠાણને ૫૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આઝમખાનના મોબાઇલમાંથી નજીર વોરાના ઘર તેમજ ઓફિસના ફોટા અને રસ્તાના મેપ મળ્યા છે. નજીર વોરાની હત્યા થાય તે પહેલાં શૂટરોએ તેમના ઘરની રેકી કરી હતી અને જે દિવસે ફાયરીંગ કરવાનું હતું ત્યારે મોહરમનો તહેવાર હોવાથી શૂટરો ફાયરીંગ કરી શક્યા નહીં. ધરપકડ કરાયેલા બન્ને શખ્સો જ નજીર વોરાની હત્યા કરવાના હતા.

આ સિવાય ગત વર્ષે હથિયારના બોગસ પરવાના બનાવવાના કૌભાડમાં સંડોવાયેલા સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે પણ ર૦ લાખ રૂપિયાની સોપારી આઝમખાનને આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સરદારખાનની હત્યાનો બદલો લેવા માટે સલીમ જુમ્માખાનની હત્યાની સોપારી અપાઇ હોવાનું સામે આવ્યું છે.

છ મહિના પહેલાં આઝમખાનને સોપારી મળી હતી, જોકે એડ્વાન્સ રૂપિયા નહીં મળતાં તેણે રાહ જોઈ હતી. ઉદયપુર એસટીએફના પોલીસ ઇન્સ્પેક્ટર ગોરધન ભાટીએ જણાવ્યું છે કે આઝમખાને અમદાવાદના નજીર વોરા અને સલીમ જુમ્માખાનની હત્યા કરવા માટે સોપારી લીધી હતી.

હત્યાની ઘટનાને અંજામ આપે તે પહેલાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખની છે કે નજીર વોરાની હત્યાના નિષ્ફળ પ્રયાસ બાદ લાલા વોરા યુરોપ જતો રહ્યો છે, જ્યાં તેણે આઝમખાનની હત્યા કરવાની સોપારી આપી હતી.

આઝમખાન પહેલાં હમીદ લાલાની ગેંગમાં કામ કરતો હતો. ત્યારબાદ તેને સોહરાબુદ્દીન શેખની ગેંગ જોઇન્ટ કરીને ખંડણી અને હત્યાની કોશિશના ગુના કર્યા હતા.

અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલની ઓફિસ પર થયેલા ફાયરીંગ કેસમાં સોહરાબુદ્દીન, તુલસી અને આઝમખાન સંડોવાયેલા હતા. પોપ્યુલર બિલ્ડર્સની ઓફિસ પર થયેલા ફાયરીંગના કેસમાં અમદાવાદની કોર્ટે આઝમખાન હાજર નહીં થતાં તેના વિરુદ્ધમાં ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કર્યું છે.
મૌલિક પટેલ

You might also like