સોફ્ટવેર એન્જિનિયરના ખાતામાંથી રૂપિયા ૬૦ હજાર ઉપડી ગયા!

અમદાવાદ: શહેરની એક ખાનગી કંપનીના સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવકના ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગની અજાણી વ્યક્તિએ માહિતી મેળવી તેના ખાતામાંથી ઓનલાઇન રૂ. ૬૦ હજારની ખરીદી કરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટેરા વિસ્તારમાં આવેલા દેવ પૂજન એપાર્ટમેન્ટમાં રહેતા ચિંતનભાઇ પ્રજાપતિ ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. પાંચેક દિવસ અગાઉ ચિંતનભાઇના મોબાઇલ નંબર ઉપર બેન્કમાંથી મેસેજ આવ્યો હતો કે તેમના ખાતામાંથી રૂપિયા ૬૦ હજારની ખરીદી થઇ છે. ચિંતનભાઇએ કોઇ પણ પ્રકારની ખરીદી ન કરી હોઇ અને બેન્ક ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવતાં તેઓએ બેન્કનો સંપર્ક સાધ્યો હતો, જેમાં ડેબિટ કાર્ડમાંથી ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણી વ્યક્તિએ ઇન્ટરનેટના માધ્યમથી તેમના ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની માહિતી મેળવીને તેમના ડેબિટ કાર્ડથી રૂ. ૬૦ હજારની ઓનલાઇન ખરીદી કરી લીધી છે. પોલીસે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

You might also like