સમાજમાં દુર્જનો સજ્જનો પર હંમેશાં ભારે પડે છે

વેદોકતકાળથી ચાલતું આવ્યું છે કે સમાજમાં દુર્જનો સજ્જનો પર હંમેશાં ભારે પડે છે. સજ્જનો દુર્જનોના ત્રાસથી ખિન્ન થઈને ચૂપ રહે છે. આ તેમની કમજોરી ગણી શકાય, પરંતુ તેનો અર્થ એ નથી કે દુર્જનને તેના કર્મનું ફળ મળશે નહીં. કરેલાં કર્મનું ફળ અહીં જ ભોગવીને જવાનું હોય છે એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ.
મહાભારતના એક દૃષ્ટાંત મુજબ દુર્યોધને એક ષડ્‌યંત્ર રચ્યું હતું. દુર્વાસા મુનિને દસ હજાર શિષ્ય સાથે તેમની સેવાપૂજા કરીને પ્રસન્ન કર્યા. દુર્વાસાએ વર માગવા કહ્યું ત્યારે દુર્યોધને કહ્યું, “મારા ભાઈઓ-પાંડવો વનમાં રહે છે ત્યાં આપ દસ હજાર શિષ્ય સાથે તેમના અતિથિ બનો, પરંતુ મધ્યાહ્નકાળ પછી.”
મધ્યાહ્નકાળ પછી જવાનું એટલા માટે કહ્યું કે સૂર્યે પાંડવોને અક્ષયપાત્ર આપ્યું હતું. મધ્યાહ્નકાળ સુધી ગમે તેટલા અતિથિ આવે તેનો સત્કાર કરે તો પણ અક્ષયપાત્રમાં ખૂટે નહીં, દુર્વાસા તો દુર્યોધનના આગ્રહને માન આપી ગયા પાંડવો પાસે. પાંડવો તો જમીને આરામ કરતા હતા. અક્ષયપાત્ર ધોઈને ઊંધું વાળ્યું હતું. એ સમયે દુર્વાસા જઈને ઊભા રહ્યા, સાથે દસ હજાર શિષ્ય હતા.
પાંડવો ધર્મસંકટમાં મુકાયા. જો દુર્વાસાને જમવાનું આમંત્રણ ન આપે તો દુર્વાસા ક્રોધિત થાય. આમંત્રણ આપે તો અક્ષયપાત્રમાં અન્ન નથી. બીજા દિવસે સૂર્યોદય પછી જ ચિંતવે તે મળે. હવે શું કરવું? છતાં પાંડવોએ સાહસ કરીને દુર્વાસાને જમવાનું આમંત્રણ આપ્યું. દુર્વાસા કહે, “સ્નાન કરીને અમે આવીશું.” દ્રૌપદી પ્રભુને પ્રાર્થના કરે છે કે દુઃશાસનેે સભામાં મારું વસ્ત્રાહરણ કરવા માંડ્યું તે સમયે ચીર પૂરી મારી રક્ષા કરી એ રીતે આ સંકટમાં મારી રક્ષા કરો. ભગવાન શ્રીકૃષ્ણ તુરત દ્રૌપદી પાસે આવ્યા અને કહ્યું, “હું ભૂખ્યો છું, જમવાનું આપો.” દ્રૌપદી કહે, “જમવાનું નથી, એથી જ તમારી પ્રાર્થના કરી છે. આપે અમને બીજી આપત્તિમાં મૂક્યાં.” પ્રભુ કહે, “તમારા અક્ષયપાત્રમાં છે, ખોટું કેમ બોલો છો?” દ્રૌપદી કહે, “એ તો આપ દેખો, તે ઊંધું પડ્યું છે.” પ્રભુ કહે, “મારી પાસે લાવો.” દ્રૌપદીએ હાથમાં આપ્યું. પ્રભુએ ઝીણી નજરે જોયું તો અંદર ભાજીનું પત્ર ચોંટેલું હતું. પ્રભુએ પત્ર હાથમાં લઈને ‘અનેન જગત તૃપ્યમાન’ કહી મુખમાં મૂક્યું તો આખું જગત તૃપ્ત થઈ ગયું.
દુર્વાસા અને શિષ્યો પણ તૃપ્ત થયા. હવે દુર્વાસા સંકટમાં મુકાયા. પાંડવોનું જમવાનું આમંત્રણ સ્વીકાર્યું છે, ત્યાં જઈને જમીશું નહીં તો પાંડવો પણ ધર્માત્મા છે. અંબરીશની ઘટના તાજી હતી. જો પાંડવો શાપ આપે તો આપણે સંકટમાં મુકાઈ જઈએ. એ કરતાં અહીંથી સીધા ચાલ્યા જવું જ સારું. દુર્વાસા બારોબાર પલાયન થઈ ગયા હતા તેમજ પાંડવોને આશીર્વાદ આપતા ગયા અને દુર્યોધન ઉપર ક્રોધિત થયા હતા.

You might also like