આડેધડ રોડ બનાવીને સોસાયટી, ઓફિસોને ખાડામાં નાખી દીધી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામોમાં લેશમાત્ર ગુણવત્તા જળવાતી નથી તેનાથી સૌ કોઇ પરિચિત છે. તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે શહેરભરના રોડ સામાન્ય વરસાદના મારથી પણ ઊબડખાબડ રસ્તામાં ફેરવાઇ ગયા છે. બીજી તરફ રિસરફે‌િસંગ વખતે બેદરકારીપૂર્વક ડામરના થરના થર ચઢાવી દેવાથી રોડ લેવલ ઊંચાં થઇને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ લોકો પરેશાન થઇ રહ્યા છે. આશ્રમરોડ પરના પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવી જ ફરિયાદો ઊઠી છે.

શહેરના રાજમાર્ગ તરીકે ઓળખાતા આશ્રમરોડ પર પાલડી-ભઠ્ઠા વિસ્તારના નાગરિકો ચાલુ ચોમાસામાં મુસીબતમાં મુકાઇ ગયા છે. આશ્રમરોડ પર અંજલિ ચાર રસ્તા ફલાય ઓવરબ્રિજ પ્રોજેકટના કારણે લોખંડનાં પતરાંની મોટી મોટી આડશ મૂકીને બે‌િરકેડિંગ કરાયું છે, પરંતુ આશ્રમરોડ સંલગ્ન ફતેહપુરા વિસ્તાર અને વાસણાના ભઠ્ઠા વિસ્તારમાં સહેજ વરસાદ પડતાં લોકોનાં ઘર-ઓફિસમાં વરસાદી પાણી ઘૂસી રહ્યાં છે.

સ્થાનિક રહેવાસીઓ રોષભેર કહે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડનું લેવલ ઊંચું કરાતાં અમારી ‌નીચાણવાળી સોસાયટી અને કોમ્પ્લેક્સમાં વરસાદી પાણીનાં ઘોડાપૂર આવે છે. વ્રજ કોમ્પ્લેક્સ, સ્વા‌િમનારાયણ કોમ્પ્લેક્સ, ચંદનબાળા કોમ્પ્લેક્સ, દામુભાઇ કોલોની, ઝલક કોમ્પ્લેક્સ વગેરેમાં આ સમસ્યા વધુ વિકટ છે.

આમાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રોડ લેવર ઊંચું થવાની સાથે સાથે વરસાદી ગટરલાઇનના મેનહોલ અને કેચપીટ ડામર નીચે દબાઇ ગયા છે અને હવે પશ્ચિમ ‌ઝોનનો ઇજનેર વિભાગનો સ્ટાફ દબાયેલા મેનહોલ અને કેચપીટને મેટલ ડિટેકટર લઇને શોધી રહ્યો છે. વરસાદમાં ડ્રેનેજનાે નિકાલ ન થતો હોઇ તંત્ર મુંઝવણમાં મુકાયું છે. આ સમસ્યાથી મ્યુનિસિપલ ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને પણ વાકેફ કરાયા હોઇ મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
http://sambhaavnews.com/

You might also like