ક્વિક રિસ્પોન્સ ટીમ સોશિયલ મીડિયા પર ધ્યાન રાખશે!

વોટ્સ એપ કે ફેસબુક પર કોઇ ધર્મની નિંદા કરતી પોસ્ટ કરશો તો જેલમાં જવું પડશે. સુરત શહેરમાં હાલમાં જ સોશિયલ મીડિયા પર ચોક્કસ ધર્મ વિરુદ્ધ કૉમેન્ટ કરનાર કૉલેજિયનને મારવા ૪૦૦ લોકોનું ટોળું કૉલેજ પર ધસી આવ્યું હતું. પોલીસે તે વિદ્યાર્થી વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી હતી.

અગાઉ પણ કેટલાક યુવાનોને એક ધર્મનો જયજયકાર કરવાની ફરજ પાડવાનો વીડિયો બહાર આવતા વાતાવરણ ડહોળાયું હતું. એવામાં એક વિધર્મી યુવાને યુવતીને ફસાવ્યા પછી લગ્ન કરી તેને બ્લેકમેઇલ કરતા યુવતીએ આપઘાત કરી લીધો હતો. પોલીસે તે યુવાનની ધરપકડ પણ કરી છે. ઉપરાછાપરી બે ત્રણ બનાવોને કારણે ચોંકી ઊઠેલી પોલીસે હવે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે.

અગાઉ ક્રાઇમબ્રાંચમાં આઇટી સેલ કાર્યરત હતો. જેમાં મોબાઇલ કૉલ રેકર્ડનો ડેટા મેળવવો અને તેના આધારે ગુના ઉકેલવાનો પ્રયત્ન થતો, હવે ખાસ સાયબર ક્રાઇમ સેલ શરૂ કરાયો છે. જે સોશિયલ મીડિયા પર ધ્યાન રાખશે. સુરત પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ડીસીપી કક્ષાના અધિકારીના વડપણ હેઠળ ટીમ બનાવી છે. ક્રાઇમબ્રાંચ હેઠળ કામ કરનારી ચાર સભ્યોની આ ટીમ ઉશ્કેરણીજનક કે લાગણી દુભાવનારી કૉમેન્ટ કરનાર પર કાર્યવાહી કરશે. પોલીસે સોશિયલ મીડિયા દ્વારા જ આ અંગે જાગૃતિ ફેલાવવા કેમ્પેન પણ શરૂ કરી દીધી છે અને કોઇ ઉશ્કેરણીજનક પોસ્ટ શૅર ન કરવા જણાવાયું છે.

You might also like