સોશિયલ મીડિયા પર શેરના લે-વેચની સલાહ સામે સેબી સખત

મુંબઇ: સોશિયલ મીડિયાનો વ્યાપ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. સ્માર્ટ મોબાઇલ ફોન પર અજાણ્યા લોકો દ્વારા દિગ્ગજ બ્રોકરેજ ફર્મ જેવી કે મોતીલાલ ઓસવાલ, એચડીએફસી સિક્યોરિટીઝ, કાર્વી સિક્યોરિટીઝના બોગસ નામે શેરના ખરીદ-વેચાણ કરવા સંબંધી સલાહ આપતા એસએમએસ આવતા હોય છે. સેબીએ આ પ્રકારના મેસેજ મોકલનારા સામે લાલ આંખ કરી છે. સેબીએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી-ટ્રાઇ પાસે આ અંગે મદદ પણ માગી છે.

સેબીએ ટ્રાઇને આ અંગે અનુરોધ કર્યો છે કે મોબાઇલ ગ્રાહકોને અગ્રણી બ્રોકરેજ ફર્મના નામે આવતા બોગસ સંદેશાઓ રોકવામાં આવે. દરમિયાન બ્રોકરેજ કંપનીઓના સંચાલકોએ જણાવ્યું કે અમારા નામનો દુરુપયોગ થઇ રહ્યો છે. અમે આ પ્રકારના કોઇ સંદેશાઓ મોકલાવતા નથી.

સેબીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમે ટેલિકોમ ઓથોરિટી સાથે આ અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યા છીએ કે આ પ્રકારના મેસેજ કેવી રીતે પ્રસારિત થઇ રહ્યા છે. બ્રોકરેજ કંપનીઓની ફરિયાદ બાદ સેબી આ મામલે કડક થઇ છે. મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું કે અમે સ્ટોક એક્સચેન્જ અને સેબીને આ બાબતે ફરિયાદ કરી છે. સાથેસાથે મુંબઇ પોલીસ સાયબર શાખામાં પણ કેસ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આ પ્રકારના લોભામણા મેસેજથી ઘણી વાર રોકાણકાર ફસાય છે તથા મોટું આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે.
http://sambhaavnews.com/

You might also like