ચીન-યુરોપમાં બરફનું તોફાન, કેટલાય લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત

વોશિંગ્ટન, શનિવાર
અમેરિકા, ચીન અને યુરોપમાં અલેનર બરફનું તોફાન આવતાં અનેક વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તેમજ અનેક શહેરોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. અમેરિકા અને ચીનના વિવિધ વિસ્તારમાં પરિસ્થિતિ વણસતાં ઈમર્જન્સી જાહેર કરવાની ફરજ પડી છે.

તેમજ જનજીવન પર માઠી અસર પડી છે. ચીનમાં બરફ વર્ષાથી ત્રણ દિવસમાં ૧૩ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં બોમ્બ ચક્રવાતથી અત્યાર સુધી ચાર લોકોનાં મોત થયાં છે. જ્યારે અમેરિકામાં રોડ પરથી બરફ હટાવવા માટે જેસીબી મશીનને લગાવવામાં આવી રહ્યાં છે.જ્યારે ખરાબ હવામાનના કારણે ૫૦૦૦ ફલાઈટ રદ કરવી પડી છે.

ન્યૂયોર્ક અને મૈંસાચુસેટસના બોસ્ટનમાં ભારે બરફ વર્ષા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. બોસ્ટનમાં ભારે પવન સાથે બરફ વર્ષા થતાં આ વિસ્તારમાં તાપમાન ૩૦ ડિગ્રી થઈ ગયું હતું.જેને કારણે અનેક ફલાઈટ રદ કરવી પડી છે. તેમજ શાળા કોલેજને બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

બ્રિટનમાં તબાહી મચાવ્યા બાદ અલેનર તોફાન ઉત્તર યુરોપમાં પહોંચી ગયું છે. જેમાં આ તોફાનની લપેટમાં આવી જતાં ત્રણ લોકોનાં મોત થયાં છે.અલેનર તોફાનના કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વધતાં અને વરસાદ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે.

હજારો મકાનમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અનેક લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. જેમાં કેટલીક જગ્યાએ મકાનોની દીવાલ તૂટી ગઈ છે. તો કોઈ જગ્યાએ મકાનો કે ઈમારતો પડી ગયાં છે. જ્યારે પેરિસ, જર્મની, બ્રિટન તેમજ સ્વિટ્ઝર્લેન્ડમાં આ તોફાનની વધુ અસર થઈ છે. ચીનના અનુહાઈ પ્રાંતમાં ૨૦૦૮ બાદ અત્યાર સુધીનું ભયંકર બરફનું તોફાન આવ્યું છે.

તોફાનના કારણે દેશની અર્થવ્યવસ્થાને પ્રત્યક્ષ રીતે ૧૯ કરોડ ડોલરનું નુકસાન થયું છે. જ્યારે કૃષિ ક્ષેત્રને ૧૨ કરોડ ૨૦ લાખ ડોલરનું નુકસાન થયુ છે. અનુહાઈ પ્રાંતની રાજધાની હેફેઈ સહિત નવ શહેરમાં હિમપાતના કારણે ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં લઈને ઈમર્જન્સી જાહેર કરવામાં‍ આ‍વી છે. અનુહાઈ ઉપરાંત હેનાન, હુબેઈ, હુનાન,જિઆંગ્સુ અને શાંકસી પ્રાંતમાં પણ આ સપ્તાહમાં ભારે હિમપાત થયો છે.

અમેરિકામા બરફ વર્ષા થતાં હાલ અનેક શહેરમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે જનજીવન પણ ઠપ થઈ ગયું છે. અમેરિકામાં હાલ અનેક જગ્યાએ રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. રોડ પર જામી ગયેલા બરફને જેસીબી મશીનથી હટાવવામાં આવી રહ્યો છે.

You might also like