શેરબજારમાં ખરીદીથી ઘટાડો અટક્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૦૧ પોઇન્ટના સુધારે ૨૫,૨૦૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૦ પોઇન્ટના સુધારે ૭,૭૨૭ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી અને શરૂઆતે ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ અને બેન્કિંગ સ્ટોક્સમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી.

સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, હીરો મોટો કોર્પ, ટાટા મોટર્સ અને લ્યુપિન કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો સુધારો જોવાયો હતો તો બીજી બાજુ આઇટીસી, ટાટા સ્ટીલ, ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ભલે રાહત જણાઇ હોય અને ઘટાડો અટક્યો હોય, પરંતુ વૈશ્વિક શેરબજારમાં ઘટાડાનો દોર ચાલુ છે. એ જ પ્રમાણે સ્થાનિક બજારમાં પણ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ સ્ટ્રોંગ પોઝિશન બનાવતા નથી અને તેના કારણે સ્થાનિક શેરબજારનું નબળું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.

એક બાજુ વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે તો બીજી બાજુ આઇપીઓની ભરમારના કારણે રિટેલ ઇન્વેસ્ટર્સ બજારથી અળગા થતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે મહત્ત્વનાં બિલો પસાર થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં સકારાત્મક પરિબળોના અભાવ વચ્ચે છેલ્લા બે-ચાર સેશનથી બજારમાં નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો, જોકે નિફ્ટી ૭૭૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

You might also like