સ્નેચિંગથી બચવા ચેઈન પર્સમાં મૂકી તો બાઈકર્સ પર્સ લૂંટી ગયા

અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા ચેઇન સ્નેચિંગના બનાવોને જોઇને બાપુનગર વિસ્તારમાં રહેતી એક ગૃહિણીએ સોનાની ચેઇન પર્સમાં મૂકીને પતિ અને પુત્રી સાથે ફરવા ગઇ હતી. જ્યાં મોડી રાતે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગૃહિણીના હાથમાંથી પર્સની ચીલઝડપ કરીને ફરાર થઇ ગયા હતા.

બાપુનગર વિસ્તારમાં આવેલ તપોવન સોસાયટીમાં રહેતા મીનાબહેન ભરતભાઇ સોનીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાઇક પર આવેલા બે શખ્સો વિરુદ્ધમાં પર્સની ચીલઝડપ કરવા અંગે ફરિયાદ કરી છે. ગઇ કાલે મીનાબહેન તેમના પતિ અને પુત્રી સાથે મિની કાંકરિયા ફરવા માટે ગયાં હતાં. મિની કાંકરિયામાં લોકોની વધુ ભીડ હોવાથી મીનાબહેનેના ગળામાંથી 20 હજાર રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને કોઇ ફરાર ના થઇ જાય તે માટે તેમણે ચેઇન કાઢીને પર્સમાં મૂકી દીધી હતી.

બાપુનગર ભીડભંજન હનુમાન રોડ પર ત્રણેય જણા ચાલતા ચાલતા જતા હતા ત્યારે પલ્સર બાઇક લઇને આવેલા બે અજાણ્યા શખ્સોએ મીનાબહેનના હાથમાંથી પર્સની ચીલઝડપ કરીને ફરાર થઇ હતા. મીનાબહેને બુમાબુમ કરી મૂકતાં લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં ત્યારે તેમના પતિ ભરતભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. બાપુનગર પોલીસે મીનાબહેનની ફરિયાદના આધારે બાઇક ચાલકો વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like