સ્નેપડીલની અેન્જિનિયરનો ૧૪ માસથી પીછો કરાતો હતો

નવી દિલ્હી: ગાઝિયાબાદથી લાપતા થયેલી સ્નેપડીલની આઈટી અેન્જિનિયર દીપ્તિ શરણના મામલે નવો ખુલાસો થયો છે. સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે ૩૬ કલાક બાદ પરત મળેલી દીપ્તીની પોલીસે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે અપહરણકારો ૧૪ મહિનાથી તેનો પીછો કરી રહયા હતા. આજે પણ પોલીસ તેની વધુ પૂછપરછ કરશે.

આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસ અધિકારીઓઅે ગઈકાલે દીપ્તિ સાથે ૨૫ મિનિટ વાતચીત કરી હતી.જેમાં દીપ્તિઅે પોલીસને જણાવ્યું કે તેણે અપહરણકારોને તેનું નામ સ્નેહા જણાવ્યું હતું. પોલીસ આરોપીઓની ભાળ મેળવવા દીપ્તિની પૂછપરછના આધારે સ્કેચ બનાવી રહી છે. જોકે દીપ્તિનો મોબાઈલ ફોન, લેપટોપ હજુ જપ્ત કરવાનાં બાકી છે. પોલીસે જે રાતે ઘટના બની હતી તે દિવસે દીપ્તિઅે પહેરેલા કપડાં અને બૂટ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યાં છે.

દીપ્તિઅે પોલીસને જણાવ્યું હતું કે તે જે રિક્ષામાં બેઠી હતી તે બગડતાં તે બીજી રિક્ષામાં બેઠી હતી. જેમાં અેક છોકરો અને છોકરી બેઠાં હતાં. તે જે રિક્ષામાં બેઠી હતી તેમાં અન્ય બે છોકરા આવીને બેસી ગયા થોડા સમય બાદ આ બે છોકરાઅે રિક્ષામાં બેઠેલા છોકરા-છોકરીને ચાકુ બતાવી નીચે ઉતારી દીધાં હતાં. અને રિક્ષાને રાજનગર અેક્સટેશન તરફ લઈ ગયા હતા.

ત્યારબાદ રિક્ષાને ઘણો સમય રાજનગર અેક્સટેશન આસપાસ ફેરવી છોકરાઓેઅે તેના હાથ-પગ બાંધી દીધા હતા અને આંખો પર પટ્ટી બાંધી તેને અેક કારમાં નાંખી કોઈ જગ્યાઅે લઈ ગયા હતા. દીપ્તિના જણાવ્યા મુજબ ત્યારબાદ કાર અનેક કલાક સુધી ચાલતી રહી હતી. પરંતુ આંખો બંધ હોવાથી અપહરણકારો તેને ક્યાં લઈ જતા હતા તેની ખબર ન હતી.દીપ્તિઅે જણાવ્યું કે અપહરણકારોઅે તેણે બે દિવસ ફેરવી હતી.

You might also like