સાપનું ઝેર કાઢી જડીબુટ્ટી બનાવી વેચતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ: સાપના ઝેરમાંથી બનાવેલી જડીબુટ્ટી અનેક રોગોમાં અક્સીર હોવાનું જણાવી આવી જડીબુટ્ટી રાજ્યનાં જુદાં જુદાં શહેરો અને ગામોમાં વેચી લોકોને છેતરતી એક ગેંગને વડોદરા એ‌િનમલ રેસ્કયૂ ટ્રસ્ટે ઝડપી લઇ ફોરેસ્ટ વિભાગને હવાલે કરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજ્યનાં જુદાં જુદાં જંગલોમાંથી સાપને પકડી તેનું ઝેર કાઢી લઇ કોલકાતાની એક ગેંગ આ ઝેરમાંથી જડીબુટ્ટી બનાવી દવામાં અક્સીર હોવાનું જણાવી લોકોને છેતરતી હતી.  આ ગેંગ વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં ફરી રહી હોવાની એનિમલ રેસ્કયુ ટ્રસ્ટને બાતમી મળતાં કોલકાતાના વતની એવા એક જ પરિવારના
ચાર સભ્યની બનેલી ગેંગને ઝડપી લીધી હતી.

આ ગેંગની તલાશી લેતાં તેની પાસેથી ઝેર ભરેલી બાટલીઓ અને જનાવરનાં હાડકાં મળી આવ્યાં હતાં. આ ગેંગ સાપના ઝેરમાંથી બનાવેલી જડીબુટ્ટી સાંધાના દુખાવા સહિત અનેક રોગોમાં અક્સીર હોવાનું જણાવી લોકોને છેતરી મોટી રકમ પડાવતી હતી.

આ ગેંગમાં પતિ-પત્ની અને બેે પુત્રોનો સમાવેશ થાય છે. આ તમામ કોલકાતાના રહીશ છે અને હાલ વડોદરાના નદી બ્રિજ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. એનિમલ રેસ્કયૂ ટ્રસ્ટે આ ગેંગને ફોરેસ્ટ વિભાગને સોંપી હતી. ફોરેસ્ટના અધિકારીઓએ આ ગેંગની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગે અત્યાર સુધીમાં સાપના ઝેરમાંથી બનાવેલી જડીબુટ્ટી રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા અને સુરત શહેરમાં વેચી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
http://sambhaavnews.com/

You might also like