દાણચોરીના માર્ગે સોનું ફરી ઘુસાડવામાં આવી રહ્યું છે

મુંબઇ: નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે નોટ બદલી કર્યા બાદ નવી ચલણી નોટની અછતના પગલે દાણચોરી માર્ગે દેશમાં આવતું સોનું લગભગ બંધ થઇ ગયું હતું, પરંતુ હવે છ મહિનાના સમયગાળા બાદ નાણાકીય પ્રવાહિતાની ઉપલબ્ધતાના પગલે સોનાની દાણચોરી ફરી એક વાર વધી રહી છે. તો વળી સોનાના ઊંચા ભાવના કારણે સત્તાવાર રીતે કરવામાં આવતી સોનાની આયાતની સામે દાણચોરી દ્વારા ઘુસાડવામાં આવતા સોનાનો માર્જિનનો ગાળો પણ ઊંચો રહેતા સોનાની દાણચોરી ફરી એક વાર વધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં સોનાની દાણચોરી ૧.૯ ટન પ્રતિ સપ્તાહ રહેવાનું અનુમાન છે. તેનો અર્થ એ થઇ શકે કે દર મહિને આઠથી દશ ટન સોનું ગેરકાયદે દેશની અંદર ઘુસાડવામાં આવી રહ્યું છે.

બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં હવાલા કારોબારીઓ દાણચોરી માટે જરૂરી ડોલર ઉપલબ્ધ કરાવવાની અવેજમાં ૫.૬ ટકાથી છ ટકા પ્રીમિયમ માગી રહ્યા હતા, પરંતુ હવે રોકડની છત છે તેથી આ પ્રીમિયમ ઘટીને ત્રણ ટકાની સપાટીએ પહોંચી ગયું છે. પ્રીમિયમમાં ઘટાડો થતાં સોનાની દાણચોરીનું આકર્ષણ વધ્યું છે.
http://sambhaavnews.com/

You might also like