નીતીશ કુમારને ધમકી બાદ સુરક્ષામાં કરાયો વધારો

પટના : બિહારનાં પાંચમી વખત મુખ્યમંત્રી બનનાર નીતીશ કુમારને ફરી એક વાર ધમકી મળી છે. નીતીશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હાલ તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે નીતીશને ઝેડપ્લસ સુરક્ષા વ્યવસ્થા છે. જો કે પરિસ્થિતીની નજાકતતા જોતા વધારે પોલીસ જવાનોને સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે. જ્યારે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધી લેવાઇ છે.
ઘટનાની મળતી વિગતવાર માહિતી અનુસાર નીતીશને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી SMS મારફતે આપવામાં આવી છે. જો કે આ મેસેજ નીતીશને નહી પરંતુ બિહારની એક પ્રાઇવેટ ચેનલનાં એક અધિકારીને મોકલવામાં આવ્યો હતો. પોતાનાં કાર્યક્રમ દરમિયાન આ મેસેજ ચેનલ દ્વારા દેખાડવામાં આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. હાલ તો શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પટનાં સીનિયર સૂપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ વિકાસ વૈભવે જણાવ્યું કે હાલ 387 (મારી નાખવાની ધમકી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો મેસેજ આવ્યો તે નંબરની તપાસ ચાલુ કરવામાં આવી છે. જો કે મેસેજ બિહારની બહારનાં કોઇ નંબર પરથી આવ્યો હોવાનું પણ સુત્રો કહી રહ્યા છે. જો કે પોલીસ હાલ આ અંગે મગનું નામ મરી ઉચ્ચારવા માટે તૈયાર નથી.

You might also like