સ્મૃતિ ઇરાનીને ઉત્તર પ્રદેશના સીએમ તરીકે પ્રોજેક્ટ કરવા ગંભીર વિચારણા

નવી દિલ્હી : ભારતીય જનતા પક્ષ હવે કેન્દ્રીય એચઆરડી પ્રધાન સ્મૃતિ ઇરાનીને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે પ્રોજેકટ કરવા માટે સક્રિય અને ગંભીર રીતે વિચારી રહ્યો હોવાના અહેવાલો છે. સ્મૃતિ ઇરાની આમ તો રાજકારણમાં નવાં સવાં છે, પરંતુ આજે તેમની ગણતરી દેશના ટોચના વરિષ્ઠ નેતાઓમાં થાય છે.ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી ટીવી સિરિયલ દ્વારા તમામ પરિવારની માનીતી અભિનેત્રી સ્મૃતિ ઇરાનીને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ર૦૦૪માં દિલ્હીની ચાંદની ચોક લોકસભાની બેઠક પરથી તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના કપિલ સિબ્બલ સામે તેમનો પરાજય થયો હતો.
ત્યાર બાદ ભાજપના તત્કાલીન પ્રમુખ નીતિન ગડકરીએ સ્મૃતિ ઇરાનીને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યાં હતાં. જોકે તેમનો અસલી રાજકીય ચહેરો ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. જ્યારે તેમને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે ઉતારવામાં આવ્યાં હતાં. તેમને માત્ર ૧પ દિવસ જ પ્રચાર કરવા માટે સમય મળ્યો હતો, રાહુલને પણ પોતાની પરંપરાગત બેઠક જીતવા માટે બહેન પ્રિયંકાનો સહારો લેવો પડયો હતો.
કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઇરાની ચૂંટણી જીતી શકયાં ન હતાં, પરંતુ અમેઠી સાથે તેમના સંબંધો કાયમી રહ્યા હતા અને અમેઠી મતક્ષેત્રનાં લોકોનાં સુખ-દુઃખમાં હંમેશાં તેમણે સાથ આપ્યો છે.
અમેઠીના સાંસદ ભલે રાહુલ ગાંધી હોય, પરંતુ જ્યારે અમેઠીનાં એક ગામમાં આગ લાગી ત્યારે સૌ પહેલાં સ્મૃતિ ઇરાની પહોંચી ગયાં હતાં.
દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જવાહરલાલ નહેરુ યુનિ.માં દેશદ્રોહી સૂત્રોચ્ચારના મામલામાં સંસદના બંને ગૃહોમાં થયેેલી ચર્ચામાં તેમણે માયાવતી સહિત અન્ય વિપક્ષી દિગ્ગજોને સજ્જડ જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે તેમની જ્ઞાતિ અંગે કોઇને ખબર જ નથી તો પછી તેમના પર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કઇ રીતે થઇ શકે? વડા પ્રધાને ટ્વિટ કરીને સંસદમાં ભાષણ બદલ સ્મૃતિ ઇરાનીને અભિનંદન આપ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી સ્મૃતિ ઇરાનીએ હવે પોતાનું કાર્યક્ષેત્ર અમેઠીથી વધારીને સમગ્ર યુુપી કરી લીધું છે. ગત સપ્તાહે તેમણે ગોરખપુરમાં કાર્યકરોના સંમેલનને સંબોધન કર્યું હતું.
થોડા દિવસ પહેલાં તેઓ વારાણસી પણ ગયાં હતાં. આમ ઉત્તર પ્રદેશમાં સ્મૃતિ ઇરાનીની વધતી જતી પહોંચને લઇને હવે ભાજપ તેમને ઉત્તર પ્રદેશના સીએમ તરીકે પ્રોજેકટ કરે તો નવાઇ નહીં એવું સૂત્રો જણાવે છે.

You might also like