સ્મૃતિ ઈરાનીને માહિતી-પ્રસારણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર

નવી દિલ્હીઃ ભાજપ સંસદીય બોર્ડે કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુની ઉપરાષ્ટ્રપતિપદ માટે પસંદગી કરતાં તેમના મંત્રાલયના કેટલાક વિભાગોનો હવાલો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને આપવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાણકારી આપી છે. સ્મૃતિ ઈરાનીને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે નરેન્દ્ર એસ. તોમરને શહેરી વિકાસ અને શહેરી આવાસનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

સ્મૃતિ મોદી સરકારમાં કાપડ વિભાગનો હવાલો સંભાળી રહ્યાં છે. સ્મૃતિ ઈરાનીએ પોતાની રાજકીય કારકિર્દી ૨૦૦૩માં શરૂ કરી હતી. તેમણે સૌ પ્રથમ ભાજપના સભ્ય બન્યા બાદ દિલ્હીની ચાંદની ચોક લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી હતી. સ્મૃતિ ઈરાની ૨૦૧૧માં ગુજરાતમાંથી રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયાં હતાં. એ જ વર્ષે તેમને હિમાચલ પ્રદેશમાં મહિલા મોરચાની કમાન સોંપાઇ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like