બાળકોના સ્માર્ટ લર્નિંગ કરતાં સ્માર્ટ ભોજનમાં વધારે રસ!

અમદાવાદ: મ્યુનિ. સ્કૂલ બોર્ડ લાંબા સમયથી શાસક ભાજપના આંતરિક રાજકારણનો અખાડો બન્યું છે. ચેરમેનની નિમણૂકના મહિનાઓ બાદ માંડ માંડ વાઇસ ચેરમેનની નિમણૂક થઇ શકી છે. આના કારણે એક તરફ બાળકોનું ભણતર બગડી રહ્યું છે તો બીજી તરફ બેફામ ખર્ચાઓ થઇ રહ્યા છે. આનું ઉત્તમ ઉદાહરણ બાળકોના સ્માર્ટ લર્નિંગ કરતાં પોતાના ‘સ્માર્ટ ભોજન’માં વધારે રસ ધરાવતા એક ભોજન સમારંભ દ્વારા ખુદ સ્કૂલ બોર્ડે પૂરું પાડ્યું છે.

ધોરણ-છ થી આઠનાં બાળકો માટેના ‘સ્માર્ટ લર્નિંગ’ પ્રોજેક્ટ હેઠળ તંત્ર દ્વારા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સામા‌િજક વિજ્ઞાન શિખવાડવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અનુસાર પાઠોના બાયસેગ સ્ટુડિયોમાં તજજ્ઞ દ્વારા પાઠ તૈયાર કરી ઓડિયો-વિઝ્યુઅલ એ‌િપસોડ બનાવી ‘વંદે ગુજરાત’ ચેનલ પર પ્રસા‌િરત કરાય છે, જે આ વિદ્યાર્થીઓને પોતાના જ વર્ગખંડમાં એલઇડી ટીવી પર જીવંત પ્રસારણ દ્વારા દર્શાવાય છે તેમજ જે તે વિષયને અનુરૂપ વર્કશીટ તેમજ યુનિટ ટેસ્ટ લેવડાવીને સ્માર્ટ લર્નિંગ પૂરું પડાય છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ પ્રથમ સત્રમાં કુલ રૂ.૯૦,૭૧પ ખર્ચાયા.

સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટની કહેવાતી સફળતા માટે અધિકારીઓ અને શિક્ષકોને બિરદાવવા ગત તા.ર૯ જુલાઇ, ર૦૧૬એ ટાગોર હોલમાં રંગારંગ કાર્યક્રમ તંત્ર દ્વારા યોજાયો, જેમાં સોથી વધુ ચેરમેન, સભ્યો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શિક્ષકો હાજર રહ્યા અને તે જ દિવસે સાંજે સરદાર પટેલ સ્ટેડિયમની સ્પોર્ટ્સ કલબમાં આ તમામ લોકોને મનગમતાં ભોજ‌િનયાં પીરસાયાં.

જે માટે બાવર્ચી રેસ્ટોરાંને કોન્ટ્રાક્ટ અપાયો અને આ ભવ્ય ભોજન સમારંભનું બિલ રૂ.૪૬,૦૩૦નું આવ્યું એટલે કે બાળકોના સ્માર્ટ લર્નિંગ પાછળ પ્રથમ સત્ર દરમ્યાન જે રકમ વપરાઇ તેની પચાસ ટકા રકમ તો સ્પોર્ટ્સ ક્લબના એક વારના જમણવારમાં અધિકારીઓ-શિક્ષકોને પ્રોત્સા‌હિત કરવા પાછળ સત્તાધીશોએ ખર્ચી કાઢી. સ્કૂલ બોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણે ચેરમેન ઠરાવથી ગત તા.પ ઓગસ્ટ, ર૦૧૬એ મંજૂર કરીને તેને ‘વિદ્યાર્થી વિકાસ’ના બજેટ હેડ હેઠળ બાવર્ચી રેસ્ટોરાંને ચૂકવ્યો. જોકે ‘વિદ્યાર્થી વિકાસ’ના ઓઠા હેઠળ વિદ્યાર્થીઓની ક્રૂર મજાક કરાઇ હોવા છતાં આ મામલે ‘કુલડીમાં ગોળ ભંગાઇ’ ગયો છે.
http://sambhaavnews.com/

You might also like