સ્માર્ટ સિટીની વાતો પણ તંત્રની વેબસાઇટમાં જ સ્માર્ટનેસ નથી!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દર બે ચાર વર્ષે નવા નવા પ્રોજેકટનાં ઢોલ નગારાં વગાડવાં માટે જાણીતું છે. સ્માર્ટ સિટીનાં બણગાં ફુંકાઇ રહ્યાં છે. નાગરિકોને પોતાનાં ઘર બહારના રસ્તા કયારે ખોદાશે અને કયારે પુરાશે તેની જાણ ન કરનારા સત્તાધીશોએ સ્માર્ટ સિટીની જોરશોરથી તૈયારી કરવા લીધી છે, પરંતુ ખુદ તંત્રની વેબસાઇટમાં જ હજુ સ્માર્ટનેસ આવી નથી.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રથમ સ્માર્ટ સિટી મિશન હેઠળનાં પ્રથમ ર૦ શહેરોની યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવાથી સ્વાભાવિકપણે મ્યુનિ.તંત્ર ઉત્સાહિત થયું છે. ગઇ કાલે મ્યુનિ. કમિશનર ડી.થારાએ મીડિયાને સ્માર્ટ સિટીના પ્લાનની વિસ્તૃતપણે જાણકારી પણ આપી. પાણી, ગટર, સફાઇ, જાહેર પરિવહન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનિટેશન, આઇટી કનેક્ટિવિટી, ઇ ગવર્નન્સ તેમજ નાગરિકોની સહભાગિતા વગેરે મામલે સ્માર્ટનેસથી કામ થશે તેવી ડી.થારાની જાહેરાતથી નાગરિકોને આનંદ પણ થયો.

ખુદ તંત્રની વેબસાઇટમાં સ્માર્ટનેસ આવી નથી. જેમાં નાગરિકો પાસેથી સ્માર્ટ સિટીનાે લોગો, ટેગલાઇન, નિબંધ વગેરે માટેની અરજી મગાવાઇ રહી છે. જોકે આ માટેની છેલ્લી તારીખ ગત તા.ર૦ ઓકટોબર, ર૦૧પની દર્શાવાઇ છે. નિબંધ માટે વધુમાં વધુ ૧૮૦૦ શબ્દની મર્યાદા, ટેગલાઇન માટે દસ શબ્દની મર્યાદા અને એક ઇંચ બાય એક ઇંચની લોગોની ઓછામાં ઓછી સાઇઝનો ઉલ્લેખ કરાયો છે.

હકીકતમાં સત્તાવાળાઓએ લોગો પણ પસંદ કરી લીધો છે. માય હાર્ટ અમદાવાદ, માય સ્માર્ટ અમદાવાદ એવી ટેગલાઇનને પણ લીલીઝંડી આપીને જે તે નાગરિકને પુરસ્કાર પણ ફાળવી દીધા છે. તેમ છતાં વેબસાઇટને અપડેટ કરાઇ નથી. આ ઉપરાંત પ્રેસ નોટમાં પણ ધ્યાન અપાતું નથી. મેયર ગૌતમ શાહની પૂર્વ મેયરો સાથેની શહેરના વિકાસને લગતી બેઠકની પ્રેસ નોટ વેબસાઇટ પર આજેય ચમકી રહી છે.

ઇ-ગવનન્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર કે. એલ. બચાણી કહે છે અા બાબત હજુ સુધી મારા ધ્યાનમાં અાવી નથી. જો કે વેબસાઈટને અપડેટ કરાવવાની સૂચના સંબંધિત અધિકારીઅોને અાપીશ. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રતિક પટેલ કહે છે, સ્માર્ટ સિટી અમદાવાદને લગતી છેલ્લામાં છેલ્લી જાણકારી કોર્પોરેશનની વેબસાઈઠ પર ચોક્કસપણે મૂકવામાં અાવશે.

You might also like