‘સ્માર્ટ સિટી’ શાસકોને પાણી અને સુએઝ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા નાગપુર જવું પડ્યું

અમદાવાદ: ગત તા.ર૯ જાન્યુઆરી, ર૦૧૬એ કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રથમ ર૦ સ્માર્ટ સિટીમાં અમદાવાદનો સમાવેશ કરાતાં સ્વાભાવિકપણે અમદાવાદીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ રૂ.૬૦૮૦ કરોડનું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપના શાસકોએ પાણી, સુએઝ સહિતના પ્રોજેકટો પાછળ કરોડો રૂપિયા ખર્ચી કાઢ્યા છે. તેમ છતાં સ્માર્ટ સિટી અમદાવાદના શાસકોને પાણી, સુએઝ જેવા પ્રોજેકટોનો વધુ અભ્યાસ કરવા નાગપુર જવું પડ્યું છે.

શાસક પક્ષ દ્વારા છેલ્લાં બે-અઢી વર્ષથી ર૪ કલાક પાણીના પાઇલટ પ્રોજેક્ટનાં ઢોલનગારાં વગાડવામાં આવે છે. જોધપુર વોર્ડ, સ્ટેડિયમ, જૂના વાડજ અને નવરંગપુરાના વિસ્તારો માટે વોટર મીટર સહિત ર૪X૭ પાણી પુરવઠાની સ્કીમ લાગુ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ હોઇ તેનો પ્રાથમિક ખર્ચ આશરે રૂ.પ૦ કરોડનો થશે તેવી જાહેરાત પણ સત્તાધીશોએ કરી છે. ર૪X૭ પાણી પુરવઠાના પાઇલટ પ્રોજેકટના અનુભવના આધારે સમગ્ર અમદાવાદમાં નાગરિકોને ર૪ કલાક પાણી અપાશે તેવા દાવા પણ કરાયા છે.

જોકે ગઇ કાલે શાસકો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો વહેલી સવારનું વિમાન પકડીને નાગપુર દોડી ગયાે હતાે. નાગપુરના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મ્યુનિ. કમિશનર સાથે અમદાવાદ કોર્પોરેશનના આ ઉચ્ચ પ્રતિનિધિમંડળે નાગપુરના એક નાનકડા વિસ્તારમાં અમલી કરાયેલી ર૪X૭ પાણી પુરવઠાની સ્કીમ અંગે ચર્ચા કરી હતી. તેઓએ આ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત નાગપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટનો પણ શહેરના સત્તાવાળાઓએ તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.  ત્યાર બાદ મોડી રાત્રે આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિમાનમાર્ગે અમદાવાદ પરત આવ્યું હતું, જોકે નાગપુરની આ અભ્યાસયાત્રાએ કોર્પોરેશનના જાણકાર વર્તુળોમાં ભારે તર્ક-વિતર્ક ઊભા થયા છે. ત્રણેક વર્ષ અગાઉ પણ તત્કાલીન ભાજપના શાસકોએ ર૪ કલાક પાણીના પુરવઠા સહિતનાં પાસાંઓના અભ્યાસ માટે પુણે નજીકના પીંપરી, ચીંચવડ ઉપરાંત છેક ગોવાના પણજીની મુલાકાત લીધી હતી. અગાઉની આ અભ્યાસયાત્રાની ફળશ્રુતિ પણ જે તે સમયે ચર્ચાસ્પદ બની હતી.

You might also like