સ્માર્ટ સિટીની વાતો પણ ઝોનલ ઓફિસમાં જ પૂરતાં કમ્પ્યૂટર નથી!

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કેન્દ્રના ‘સ્માર્ટ સિટી મિશન’ હેઠળ અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે. સ્માર્ટ સિટી અમદાવાદના નાગરિકો પણ સ્માર્ટ થાય તે દિશામાં તંત્રે ચક્રો ગતિમાન કર્યાં છે. પરંતુ આમાં ખાટલે મોટી ખોડ એ જોવા મળી છે કે સ્માર્ટ સિટીની વાતોની વચ્ચે ઝોનલ ઓફિસમાં સ્ટાફ માટે પૂરતાં પ્રમાણમાં કમ્પ્યૂટર જ નથી.

પશ્ચિમ ઝોનના ઉસ્માનપુરા મુખ્યાલય ખાતે ભોંયતળિયે પ્રોપર્ટી ટેક્સ સહિતના ટેક્સ બિલની ચૂકવણી માટેનું એટીએમ પ્રકારનું કીમતી મશીન ધૂળ ખાતું પડ્યું છે. નોટબંધી વખતે કેસલેશ સિસ્ટમના ગાજાવાજાં દરમિયાન પણ આ મશીન તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું. જ્યારે મુખ્યાલયના ઉપરના માળે આવેલા એસ્ટેટ-ટીડીઓ જેવા વિભાગની સમસ્યા આનાથી સામા છેડેની છે. આ વિભાગોમાં સ્ટાફ માટે પૂરતાં કમ્પ્યૂટર જ નથી.

મ્યુનિસિપલ સ્ટાફને કમ્પ્યૂટર ઓછાં હોઈ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે. બે ત્રણ કર્મચારી વચ્ચે ‘વારા પ્રમાણે’ કમ્પ્યૂટર ફાળવાયાં છે. આ અંગે પશ્ચિમ ઝોનના પૂર્વ ડેપ્યુટી કમિશનર સિદ્ધાર્થ ખત્રીના કાર્યકાળ દરમિયાન ‘ઉપર’ લેખિતમાં ફરિયાદ કરાઈ છે. જોકે હજુ સુધી અસરકારક પરિણામ મળ્યું નથી.

પશ્ચિમ ઝોન ઉપરાંત નવા પશ્ચિમ ઝોનના મુખ્યાલયમાં કમ્પ્યૂટરની તંગીથી સ્ટાફ પરેશાન છે. કોર્પોરેશનના આવકના મુખ્ય સ્રોત સમાન પ્રોપર્ટી ટેક્સના કર્મચારીઓ પાસે જ ટેબલ દીઠ કમ્પ્યૂટર નથી! પરિણામે પ્રોપર્ટી ટેક્સ લગતા વિભિન્ન સુધારા સમયસર થતા નથી અને સ્ટાફ તેમજ કરદાતાઓ વચ્ચેના ઘર્ષણના બનાવ વધતા જાય છે.

http://sambhaavnews.com/

You might also like