સ્માર્ટ સિટી યોજના માટે ૧૫૦ અબજ ડોલરનું રોકાણ જોઇશે : અભ્યાસ

મુંબઇ : નરેન્દ્ર મોદી સરકારની દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટીની રચના કરવાની યોજના માટે આગામી થોડાક વર્ષોમાં ૧૫૦ અબજ ડોલરના મૂડી રોકાણની જરૂર પડશે અને તેમાં ખાનગી ક્ષેત્રોનું મહત્ત્વનું યોગદાન હશે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. ડેલોઈટ ઈન્ડિયા નામની સંસ્થાના એક અહેવાલ મુજબ લગભગ ૧૨૦ અબજ ડોલર ખાનગી ક્ષેત્ર તરફથી આવશે.

સરકારે પ્રાથમિક ૭૫૧૩ અબજ ડોલરના ખર્ચ સાથે બે યોજના ‘સ્માર્ટ સિટી મિશન’ અને ‘અટલ મિશન ફોર રિજુવેનેશન ઓફ અર્બન ટ્રાન્સફોર્મેશન’ (અમૃત) હાલના ૫૦૦ શહેરોની સુવિધા વધારવા માટે શરૂ કરી છે. સંસ્થાના પી.એન. સુદર્શને વધુમાં જણાવાયું છે કે, આ સ્માર્ટ શહેરો માટે મૂડીરોકાણની બાબત ચિંતાનો વિષય છે. તેમજ સ્માર્ટ સિટીના વિકાસનો પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સરકારની નિર્ણય લેવાની બાબત અને નીતિ અને નિયમન માળખું પણ મોટા પડકારો છે.

સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, ભુવનેશ્વર, પૂણે, જયપુર, સુરત, કોચિન, અમદાવાદ, જબલપુર સહિત ૨૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી.અભ્યાસ મુજબ ૨૦૧૬માં સર્વિસ પ્રોવાઇડરો શહેર વ્યાપી વાઇફાઇ નેટવર્કમાં જંગી રોકાણ કરશે. કારણ કે તે સ્માર્ટ શહેરોની સેવાઓની મુખ્ય કરોડરજ્જૂ હશે. સ્માર્ટ સિટીના ઉકેલો મોટેભાગે આઇસીટી પર આધારિત હોવાથી સર્વિસ પ્રોવાઇડરો સ્માર્ટ સિટીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

૨૦૧૬માં જુદા જુદા શહેરો અને રાજ્ય સરકારો માટે સ્માર્ટ અથવા ડિજિટલ પોલ્યુશન માટે આરએફપીને પ્રતિભાવ આપવા કોન્સોર્ટિયમની રચના કરશે. રિલાયન્સ જીઓ ૨૦૧૬માં ૫૦ શહેરોમાં વાઇફાઇ સુવિધા શરૂ કરશે. તેજ રીતે ભારતી અને વોડાફોન ફાયર ફલાય નામની સંયુક્ત કંપની દ્વારા વાઇફાઇ સેવા શરૂ કરશે.

ગ્રામિણ ભારતના ૧૦૦ વિસ્તારોમાં વાઇફાઇ શરૂ કરવા માટે ફેસબુક બીએસએનએલ સાથે કામ કરી રહી છે, જ્યારે ૨૦૧૬ સુધીમાં ૪૦૦ રેલવે સ્ટેશનો પર હોટ સ્પોટ પૂરા પાડવા માટે ગૂગલે રેલવે સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.આગામી ૧૦-૧૫ વર્ષમાં આ શહેરો દેશ માટે મહત્ત્વના ટેકનોલોજી આર્થિક અને સોશિયલ હબ તરીકે ઊભરી આવશે. સ્માર્ટ સિટીના વિકાસમાં અગ્રણી કોન્સોર્ટિયમમાં સર્વિસ પ્રોવાઇડરો ગંભીરપણે ભૂમિકા ભજવશે.

You might also like