સ્માર્ટ શહેરોમાં અમદાવાદનો સમાવેશ થતા એવોર્ડ એનાયત થયો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘સ્માર્ટ સિટી કાઉન્સીલ’ દ્વારા અમદાવાદને ભારતના પ્રથમ સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થવા અંગે સ્માર્ટ સિટી માટેની અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટલક્ષી દરખાસ્તો માટે મુંબઇ ખાતે હોટલ તાજ પ્રેસિડેન્ટમાં યોજાયેલ કોન્ફરન્સમાં બીજા નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. વિવિધ ૩૫ જેટલા શહેરોમાંથી સ્માર્ટ સિટી અંગે રજુ થયેલ પ્રોજેક્ટલક્ષી દરખાસ્તોમાંથી પસંદગી પામી અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને આ બીજા નંબરનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

આ કોન્ફરન્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મેયર ગૌતમ શાહ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં અમેરિકા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ ડેપ્યુટી સેક્રેટરી બ્રુસ એન્ડયુઝ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેયર દ્વારા તેઓ સાથે મિટીંગ કરીને અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટેની કામગીરીમાં યુએસએ તરફથી મળી શકતી મદદ અંગે ચર્ચા- વિચારણા કરેલ છે અને જે અંગે તેઓ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

આ કોન્ફરન્સમાં વિદેશના વિવિધ શહેરોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને જેમાં લી.ઝેક-ડાયરેક્ટર યુ.એસ. ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એ.સલીમ-ગ્લોબલ એમ.ડી.-સ્માર્ટ સિટી તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્માર્ટ સિટી સંબંધી પોતાના મંતવ્ય સાથે પ્રવચન આપ્યા હતા તેમ મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું. વધુમાં સદર કોન્ફરન્સ બાદ અમેરિકા સહિત વિવિધ દેશની જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓએ સ્માર્ટ સિટી સંબંધી મેયર ગૌતમ શાહ સાથે ‘વન ટુ વન’ મિટિંંગ કરી ચર્ચા-વિચારણા પણ કરી હતી.

You might also like