દેશનાં તમામ સ્માર્ટ સિટીનાં રેલવે સ્ટેશનને પણ સ્માર્ટ બનાવાશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં દેશનાં તમામ સ્માર્ટ સિટીનાં રેલવે સ્ટેશનને તેમજ તેની આસપાસના વિસ્તારોને સ્માર્ટ બનાવવાના આયોજનની તૈયારી ચાલી રહી છે. જેમાં રેલવે સ્ટેશન પર જન સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. તેમજ સ્ટેશન સુધી પહોંચવાના રસ્તા સાથે પડતર પડેલી જગ્યાઓને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવશે.

દેશભરમાં આવું આયોજન કરવા માટે રેલવે પ્રધાન સુરેશ પ્રભુ અને શહેરી વિકાસ પ્રધાન એમ. વૈંકેયા નાયડુની હાજરીમાં બંને મંત્રાલય વચ્ચે સમજૂતી અંગે સ્માર્ટ સિટી મિશનના વડા ડો. સમીર શર્મા અને રેલવેના સલાહકાર રાજીવ ચૌધરીએ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે બંને પ્રધાનોએ આવા સંયુકત પ્રયાસને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું કે સ્માર્ટ રેલવે સ્ટેશન વિના કોઈ શહેર સ્માર્ટ બની ન શકે. નાયડુએ વધુમાં જણાવ્યુ કે સ્માર્ટ સિટીના ગુણવત્તાપૂર્ણ જીવન સ્તર માટે રેલવે સ્ટેશનને સ્માર્ટ બનાવવાં જરૂરી છે. અને આવી પહેલ માટે સ્થાનિક લોકોની ભાગીદારી આવશ્યક છે.

નાયડુએ વધુમાં જણાવ્યું કે આ અંગેના પહેલા તબકકાની શરૂઆત દસ મુખ્ય શહેરથી કરવામાં આવશે. તેમાં નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશનની મુખ્ય ભૂમિકા રહેશે. આ શહેરોમાં દિલ્હી(સરાય રોહિલ્લા) ભુવનેશ્વર, લખનૌ, વારાણસી, જયપુર, કોટા, થાણે,માર્માગાવ (ગોવા), તિરુપતિ અને પોંડેચરીના નામ મુખ્ય છે. અને આ અંગે હાલ એડ્વાન્સ સ્ટેજ પર છે. આ પ્રસંગે સુરેશ પ્રભુએ જણાવ્યું કે રેલવે સ્ટેશન શહેરનું મુખ્ય સ્થળ હોય છે. અને તેની સાથે દરેક લોકો સંકળાયેલા હોય છે. તેથી આવા સ્થળે હંમેશાં ભીડ જોવા મળતી હોય છે.તેથી આગામી દિવસોમાં રેલવે સ્ટેશનો સ્માર્ટ બની ગયા બાદ શહેરોની હાલત બદલાઈ જશે.આ અંગેની પરિયોજનાઓમાં જર્મની સહિતના અન્ય દેશોની જેમ સ્માર્ટ સિટી મિશન હેઠળ પસંદ થયેલા ૧૦૦ શહેર તથા અમૃત યોજનામાં સામેલ ૫૦૦ શહેરના રેલવે સ્ટેશન પણ તેના દાયરામાં આવી જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માટે સ્માર્ટ સ્ટેશન પર યાત્રિકોની સુખ સુવિધા અંગે ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેમાં વેઈટિંગ રૂમ, વાણિજ્યિક સ્થળોની જમીન અને પડતર જમીનને વિકસાવવામાં આવશે. આ માટે સ્માર્ટ રેલવેના વિકાસ માટે ખાસ કંપની (એસપીવી)ની રચના કરવામાં આવી છે.

You might also like