સ્માર્ટ કાર્ડ સ્માર્ટ ગિફ્ટ ફોર સ્માર્ટ જનરેશન

ભેટ આપવી તે માનવ સંસ્કૃતિની શરૂઆત થઇ ત્યારથી જ સમાજમાં વણાયેલી પરંપરા છે. વેદકાળ અથવા તો પુરાણકાળમાં પણ ભેટ આપવાની પરંપરાનો ઉલ્લેખ છે. ઉપરાંત પુરાણોમાં તો ભેટ આપવા માટેના વીરરસ અને ત્યાગરસથી ભરપૂર કિસ્સા પણ મળી આવે છે. જો કે આજના યુવાનો ભેટ આપવાના મુદ્દે ખૂબ જ કન્ફ્યુઝ જોવા મળે છે. જો કે ૨૧મી સદીના યુવાઓ કોઇ પણ પરિસ્થિતિનો રસ્તો શોધી કાઢવાની આવડત ગળથૂથીમાંથી જ શીખીને આવે છે.

આજના યુવાનને ભેટમાં શું આપવું તે એક મોટી સમસ્યા છે. જો કે આજકાલ યુવાનોમાં ગિફ્ટ કાર્ડ્સ આપવાનો એક નવો ટ્રેન્ડ નિકળ્યો છે. જેમાં પોતાના બજેટ અનુસાર એટલી રકમનું ગિફ્ટ કાર્ડ આપવાનું હોય છે. ગિફ્ટ કાર્ડ આપવાનો ફાયદો એ છે કે વ્યક્તિ પર કોઇ ગિફ્ટ થોપવામાં નથી આવતી, પરંતુ તેટલી રકમ આપવામાં આવે છે જેથી તે પોતાની મનપસંદ વસ્તુ ખરીદી શકે છે.

યુવાનોમાં ગિફ્ટ કાર્ડ્સ ઉપરાંત બુક્સ ગિફ્ટ આપવાનો ક્રેઝ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેમાં બર્થ ડે ગિફટ તરીકે મોટિવેશનલ બુક્સથી માંડીને નવવિવાહિત દંપતીને દાંપત્યજીવનને લગતી બુક સુધીની ગિફ્ટ આપવામાં આવે છે. જો કે બુક્સ અથવા અન્ય કોઈ ગિફ્ટમાં ઘણી વખત વસ્તુ એક વ્યક્તિ બીજાને અને બીજી વ્યક્તિ ત્રીજીને એમ ગિફ્ટ બજારમાં ફરતી થઇ જતી હોય છે. જ્યારે ગિફ્ટ કાર્ડમાં આ સમસ્યા નડતી નથી. વિવિધ બેંક્સથી માંડીને શોપિંગ મૉલ્સ પણ ગિફ્ટકાર્ડ સહેલાઈથી કાઢી આપે છે. વિવિધ કાર્ડ્સ પર વિવિધ સ્કીમથી માંડીને જેને ગિફ્ટ આપવા માગતા હોવ તેનું નામ લખી આપવા સુધીની સગવડ અપાતી હોય છે.

ગિફ્ટ કાર્ડ્સ અંગે પોતાનો અનુભવ શેર કરતાં કૃપાલી સાધુ જણાવે છે કે, “હું આર્ટ્સમાં અભ્યાસ કરું છું. તેથી અમારું ફ્રેન્ડસર્કલ મોટેભાગે સાહિત્યરસિક હોય છે. તેથી અમે ગિફ્ટ તરીકે બુક વાઉચર જ આપીએ છીએ. આ ગિફ્ટનો એક ફાયદો એ પણ રહે છે કે જે તે મિત્ર બુક ખરીદે તે અમારા સર્કલમાં રહેલા તમામ લોકો વાંચી શકે છે. જેથી એક વ્યક્તિની ગિફ્ટ દરેકના કામમાં આવે છે. સાથેસાથે પૈસા લેખે લાગ્યા હોવાનો અનુભવ પણ થાય છે.”

પાર્થ બ્રહ્મભટ્ટ નામનો યુવાન જણાવે છે કે, “અમે ગ્રૂપના મિત્રો ભેગા મળીને એક ગિફ્ટકાર્ડ ખરીદી લઈએ છીએ. ગ્રૂપની સભ્યસંખ્યા વધુ હોવાના કારણે રકમ
પણ વધારે ભેગી થાય છે. તેથી કોઈ મોટી વસ્તુ ખરીદવા માગતા હોવ તો ખરીદી પણ શકાય છે.”

કૃતાર્થ જોશી

You might also like