નાના અને મધ્યમ કદના એકમો માટે નવી નીતિ માર્ચમાં આવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની નાના અને મધ્યમ કદના એકમો માટે નવી નીતિ માર્ચ મહિનામાં આવશે. નવી નીતિ બનાવવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. નીતિ બદલવા અંગે બનાવાયેલી કમિટીએ જાન્યુઆરી મહિનામાં એમએસએમઇ વિભાગને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

કેન્દ્રમાં એમએસએમઇ વિભાગના પ્રધાન કલરાજ મિશ્રએ જણાવ્યું કે નાના અને મધ્યમ કદના એકમો માટે સંપૂર્ણ નવી નીતિ બનાવવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી. દશ દિવસ પહેલાં જ વિભાગને નવી નીતિ સંબંધી એક રિપોર્ટ સોંપ્યો છે. વિભાગ આ અંગે અભ્યાસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.

એમએસએમઇ અંગેની નીતિ ક્યારે આવશે તે અંગેના સવાલ માટે કલરાજ મિશ્રએ કહ્યું કે આગામી માસમાં આ અંગેની નીતિ જાહેર કરી દેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે નવી નીતિથી રોજગારીનું મોટા પ્રમાણમાં સર્જન થશે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય બજેટમાં નાના અને મધ્યમ કદની કંપનીઓને રાહત મળે તે માટે સુધારાનાં પગલાં લેવાયાં છે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ નાનાં અને મધ્યમ કદનાં એકમો ગુજરાતમાં છે.
http://sambhaavnews.com/

You might also like