સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં જોરદાર ખરીદીઃ સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: આજે સ્થાનિક બજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. વિદેશી બજારોમાં જોવા મળી રહેલી સકારાત્મક ચાલના પગલે આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૨૫ પોઇન્ટના સુધારે ૨૮,૪૬૬ની સપાટીએ ખૂલ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૩ પોઇન્ટના સુધારે ૮૮૦૦ની સપાટી ક્રોસ કરી ૮૮૦૪ની સપાટીએ ખૂલ્યો હતો. સરકારે સામાન્ય બજેટમાં મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓને રાહત મળે તેવા લેવાયેલા સુધારાત્મક પગલાની અસરથી મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં તેજીની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે વધુ ખરીદી નોંધાતી જોવા મળી છે.

મિડકેપ સેક્ટરમાં ટાઇટન, ભારત ફોર્જ, હેવલ્સ ઇન્ડિયા, ઇન્ડિયન હોટલ, સન ટીવી, જ્યારે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે આશિયાના હાઉસિંગ, એચડીઆઇએલ, એજિસ લોજેસ્ટિક કંપનીના શેરમાં પાંચથી આઠ ટકાનો ઉછાળો નોંધાયો છે.
બેન્કિંગ સેક્ટરના શેરમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. આરબીઆઇ બુધવારે જાહેર થનાર નાણાકીય સમીક્ષા બેઠકમાં બેન્કોને રાહત મળે તે રીતે વ્યાજના દરમાં ઘટાડા સહિતનાં વિવિધ પગલાંની જાહેરાત કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ બેન્કિંગ સેક્ટરના શેરમાં આજે જોરદાર લેવાલી નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ એક ટકાનો ઉછાળો નોંધાઇ ૨૦,૪૨૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મેટલ, ઓટો, એફએમસીજી અને રિયલ્ટી સેક્ટરમાં ૦.૪૦ ટકાથી ૦.૮૦ ટકાનો સુધારો નોંધાયો હતો.

આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઇ, હીરો મોટો કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો, આઇશર મોટર કંપનીના શેરમાં એક ટકાથી ૧.૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, અરબિન્દો ફાર્મા કંપનીના શેરમાં ૧.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં જોવા મળેલી સકારાત્મક ચાલ તથા વિદેશી રોકાણકારોની સતત ખરીદીની સાથેસાથ રૂપિયામાં જોવા મળી રહેલી સુધારાની ચાલની અસરથી શેરબજારમાં સકારાત્મક ચાલ જોવા મળી રહી છે.
http://sambhaavnews.com/

You might also like