કતલખાને લઇ જવાતાં પ૦ અબોલ પશુને બચાવી લેવાયાઃ ત્રણ કસાઇની ધરપકડ

અમદાવાદ: હાલોલ-દાહોદ રોડ પર સ્થાનિક કાર્યકરો અને પોલીસે સંયુક્ત રીતે મૂંગાં પશુ ભરેલી બે ટ્રકો ઝડપી લઇ પ૦ અબોલ પશુઓને કતલખાને જતાં પહેલાં બચાવી લઇ ત્રણ કસાઇની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હાલોલ પોલીસને બાતમી મળી હતી કે ગૌવંશ ભરેલી ટ્રક ગોધરાના કતલખાના તરફ જઇ રહી છે. આ બાતમીના આધારે પોલીસે હાલોલ નજીક વોચ ગોઠવી ટ્રક ઝડપી લઇ તલાશી લેતાં આ ટ્રકમાંથી ર૩ ગાય મળી આવી હતી. પોલીસે ગાયોને પાંજરાપોળમાં મોકલી આપી રૂ.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બે કસાઇની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત દાહોદ રોડ પર પોલીસે એક ટ્રકને ઝડપી લઇ તેમાં ઝડતી કરતા ર૪ ગાય અને બે વાછરડાં કતલખાને જતાં પહેલાં જ બચાવી લેવાયાં હતાં. ટ્રકનો ડ્રાઇવર રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો. પોલીસે એક શખસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા કસાઈઓની પૂછપરછ કરતાં અા તમામ અબોલ પશુઓ જુદા જુદા વિસ્તારમાંથી ટ્રકમાં ભરી ગોધરાના કતલખાને પહોંચાડવાના હોવાની કબૂલાત કરી હતી.

You might also like