દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતાં નર્સને લાફો માર્યો..!

અમદાવાદ: શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલમાં ગત રાત્રે આંખના ડોક્ટર હાજર ન હોઇ નર્સે દર્દીને સિવિલ હોસ્પિટલ લઇ જવાનું કહેતાં ઉશ્કેરાયેલા દર્દીનાં સગાંએ ડોક્ટરો અને સ્ટાફ સાથે બોલાચાલી કરી નર્સને લાફો મારી દીધો હતો. આ અંગે નર્સે ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બે યુવકોની ધરપકડ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા વાડજમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતાં રીટાબહેન શાહ (ઉં.વ.૩ર) સરસપુરની શારદાબહેન હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે હોસ્પિટલમાં રીટાબહેન હાજર હતાં. દરમ્યાનમાં આંખના એક દર્દીને તેના સગાં લઇને આવ્યા હતા. આંખના ડોક્ટર ફરજ પર હાજર ન હોઇ તેઓએ દર્દીને સિવિલ હોસ્પિટલ લઇ જવાનું કહ્યું હતું.

અન્ય હોસ્પિટલમાં લઇ જવાનું કહેતાં દર્દી સાથે આવેલા મહેશ ઇશ્વરભાઇ પરમાર (રહે. રઘુવીર સોસાયટી, નિકોલ રોડ) અને ભાનુભાઇ પરમાર (રહે. જયરણછોડપાર્ક સોસાયટી, ઓઢવ)એ નર્સ અને ડોક્ટર સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. દરમ્યાનમાં મયૂર પરમારે ઉશ્કેરાઇ રીટાબહેનને લાફો મારી દીધો હતો. રીટાબહેને આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બંને સામે ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

home

You might also like