સ્કિન વ્હાઈટનિંગ માટે ઘરગથ્થુ નુસખા

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને વિટામિન સી ત્વચાને નિખારવા માટે એન્ટિ ઓક્સિડેન્ટનું કામ કરે છે. કાળી પડેલી ત્વચા પર ફ્રેશ લેમન જ્યૂસ એપ્લાય કરી અડધા કલાક બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. દરરોજ સાંજે આ પ્રયોગ કરો. તમારી ત્વચાની કાળાશ ઓછી થતી જશે.

* આમળામાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેથી તમે દરરોજ આમળાનો જ્યૂસ પી શકો છો અથવા દરરોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા પર આમળાનો રસ લગાવો. ચહેરાને સવારે પાણીથી ધોઈ નાખો. તમારી ત્વચા ગોરી અને ચમકતી લાગશે.

* પપૈયું ત્વચાને એન્ટિ એજિંગ ઈફેક્ટ આપવાની સાથે ત્વચાને ગોરી પણ બનાવે છે. પપૈયા જ્યૂસને ચહેરા અને ગરદનના ભાગે લગાવો. અડધા કલાક બાદ ધોઈ નાખો. પહેલા અઠવાડિયે દરરોજ અને ત્યારબાદ અઠવાડિયામાં ત્રણ વખત આ પ્રયોગ કરો.

રસોડામાં મળી રહેતી સામગ્રી
* પા ચમચી હળદર લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવો. સમગ્ર ચહેરા પર આ પેસ્ટ લગાવો. જો તમારા હોઠ સૂકા રહેતા હોય તો હોઠ પર પણ લગાવો. ૩૦ મિનિટ બાદ ચહેરો ધોઈ લો.

* જાયફળ પણ ઉત્તમ ટૉનિક છે. જાયફળને પાણીમાં ઘસો અને તે પેસ્ટને ચહેરા પર લગાવો. પેસ્ટ પૂર્ણપણે સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગથી ચહેરા પરના બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ પણ દૂર થશે તેમજ ત્વચા ચમકીલી બનશે.

* બે ચમચી ચણાનો લોટ લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને બે ચપટી હળદર પાઉડર ઉમેરો. બાદમાં થોડું દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને માસ્કની જેમ ચહેરા પર લગાવો. સુકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો અને બાદમાં ચહેરા પર માઈલ્ડ લોશન લગાવો. ચમકદાર અને ગોરી ત્વચા મેળવવા આ માસ્ક એકદમ સરળ ઉપાય છે.

સોનલ અનડકટ

You might also like